પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪૩
નૈનીતાલ, આલમોરા વગેરે સ્થળમાં.


ઉચ્ચસિદ્ધાંતોનું તેના ઉપર ઓછુંજ જોર ચાલતું. બહેન નિવેદિતાએ સ્વામીજીના અતિ વિશાળ માનવ પ્રેમ વિષે તેમજ એ વિષચની તેઓ જે વાતો કહેતા તે વિષે જણાવ્યું છે કે :—

“સ્વામીજીના હૃદયની વિશાળતાનો ખ્યાલ હું તમને આપી શકું તેમ નથી. પ્રેમથી એમનું હૃદય એટલું બધું પલળી રહ્યું હતું કે કોઈને પણ જરાક ઈજા થાય તો તેનો ધક્કો સ્વામીજીના હૃદયને લાગતો અને બીજી તરફ સ્વામીજીને ગમે તેવી ઈજા કોઈ કરે તો પણ તેમના મુખમાંથી તો સ્નેહ અને આશિર્વાદનાં જ વચનો નીકળતાં.”

“સ્વામીજી અમને વસિષ્ટ અને વિશ્વામિત્રની વાત આ પ્રમાણે કહેતા. વસિષ્ઠના સો પુત્રોને વિશ્વામિત્રે મારી નાખવાથી વસિષ્ઠ મુનિ નિર્વંશ બનીને વાનપ્રસ્થ દશામાં પોતાનું જીવન ગાળી રહ્યા હતા. એક દિવસે રાત્રે ચાંદની ખીલી રહી હતી. તે ચાંદનીમાં વૃક્ષોની ઘટામાં આવેલી વસિષ્ઠની પર્ણકુટીમાં વસિષ્ઠ અને અરૂંધતી બેઠેલાં હતાં. વિશ્વામિત્રનું લખેલું એક પુસ્તક વસિષ્ઠ વાંચતા હતા. એટલામાં અરૂંધતી તેમની છેક નજીક આવીને કહેવા લાગ્યાં ‘જુઓ, આજે ચાંદની કેવી સરસ ખીલી રહેલી છે.’ પરંતુ ઉંચું જોયા વગરજ વસિષ્ઠે જવાબ આપ્યો કે ‘પણ અહિંયાં વિશ્વામિત્રની બુદ્ધિ તેના કરતાં પણ હજારગણી વધારે ખીલી રહેલી છે.’

“સઘળું ભુલાઈ ગયું ! તેમના સો દિકરાઓનો નાશ, તેમને કરેલી ઈજાઓ, તેમના ઉપર આણેલી આફતો, સઘળુંજ ભુલાઈ જવાયું, અને વસિષ્ઠનું અતિ વિશાળ હૃદય પોતાના શત્રુની પણ વિલક્ષણ બુદ્ધિનાં વખાણ કરવા મંડી ગયું ! સ્વામીજી કહેવા લાગ્યા કે આપણો પ્રેમ પણ એવોજ પવિત્ર અને વિશાળ જોઈએ. વસિષ્ઠ જેમ સઘળું ભુલી જઇને પોતાના શત્રુ તરફ પણ સ્વચ્છ પ્રેમ ધરી રહ્યા હતા તેવોજ સ્વચ્છ પ્રેમ આપણે પણ ધરવો જોઇએ.”