પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૦
તાર્કિક બોધ


જોશી—એ તો વધતા ઓછા થાય છે ખરા.

છોકરો—વધતા ઓછા થવાનું કારણ શું ? અને શા ઉપરથી એટલા દહાડાનું વર્ષ ઠરાવ્યું હશે ?

જોશી—સૂર્ય બાર રાશી ફરી રહે, ત્યારે વર્ષ થાય.

છોકરો—આજ કિયું નક્ષત્ર છે ?

જોશી—દશ ઘડી રાત જતાં અશ્વિની ઉતરીને ભરણી બેસશે.

છોકરો—ક્યાંથી ઉતરશે અને ક્યાં બેસશે ?

જોશી—ટીપણામાં ઉતરશે, અને ટીપણામાં બેસશે.

છોકરો—તે વખતે શો ફેરફાર જોવામાં આવશે ?

જોશી—જોવામાં તો બધા દહાડા સરખા હોય, એમાં કશો ફેરફાર હોય નહિ. તે કરતાં તમે કાંઈ ફેરફાર બતાવી શકતા હો તો કહી દેખાડો.

છોકરો—મારા સમજવામાં એવું છે કે, પશ્ચિમથી તે પૂર્વ સુધી અને આકાશમાં એક લીટી કલ્પિયે, તે જ લીટી પૃથ્વી નીચે થઈને પશ્ચિમના છેડાને મળે. એટલામાં નિશાનીઓ રાખવા સારૂં તારાના જથાનાં નામ પાડેલાં છે, તે નક્ષત્ર ૨૭ કહેવાય છે. તેમાંના અશ્વિની નામના નક્ષત્રની હદ છોડીને, દશ ઘડી રાત જતાં ભરણીની હદમાં આજ ચંદ્રમા આવશે. એનું નામ અશ્વિની ઉતરીને ભરણી બેઠું.

જોશી—હા, એ તો અમે જાણીએ છૈએ.

છોકરો—એ જ વખતે બરાબર એમ થશે કે નહિ, તેનો તમે કોઈ સમે આકાશમાં જોઈને તપાસ કર્યો છે.

જોશી—અમે તો ગણિતનો તપાસ કરીએ. પણ આકાશમાં જોઈને તો અમે તપાસ કર્યો નથી.