પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૮
તાર્કિક બોધ

પાણી કરીને, ખાતાં હતાં. પણ પોતાના મનની દીલગીરી કોઈ લોકોની આગળ દેખાડતા નહિ.

એ રીતે કેટલાક મહિના થયા; ત્યારે પાણીનો દેવ જે વરૂણ દેવ કહેવાય છે, તેની પણ છાતી ભરાઈ આવી. ત્યારે તેણે વંશપાળને , અને તેની સ્ત્રીને કહ્યું કે, આ શહેરમાં દર મહિને ૧૦૦૦ માણસો મરી જાય છે. પણ તમારા જેવી આટલી દીલગીરી કોઈ રાખતું નથી. અને તમે શા વાસ્તે રોજ આવીને મને કંટાળો ઉપજાવો છો ? તે સાંભળીને :—

વંશપાળ—બીજા લોકોની પેઠે લોકોને દેખાડવા સારૂ અમે પાખંડ કરતાં નથી, પણ જ્યાં સુધી તું એ જ અમારો છોકરો અમને પાછો નહિ આપે, ત્યાં સુધી અમે બંને જણ તને રોજ આ રીતે સંતાપીશું.

વરૂણદેવ—તમારા છોકરાને મેં, કે મારા દૂતોએ લીધો નથી, એ તો મોતનો દેવ યમરાજ કહેવાય છે, તેના દૂતો લઈ ગયા છે.

વંશપાળ—ત્યારે તું અમને બંને જણને યમરાજ પાસે લઈ જા. એટલે અમે તેની આગળ કરગરીને અમારો છોકરો પાછો માગી લેશું.

પછી વરૂણદેવ, તે બંને જણને જમપુરીમાં યમરાજ પાસે લઈ ગયો. ત્યાં વંશપાળે અને તેની સ્ત્રીએ એવો તો કલ્પાંત કરવા માંડ્યો, કે તેથી યમરાજની, તથા તેના દૂતો જે, તાવ, કોગળિયું, દમ, ક્ષય, ઉટાટીયો, કાકાબળિયા, વગેરે ચૌદકોટિ, એટલે ચૌદ જથે ઊભા હતા, તેઓની આંખોમાંથી પણ આંસુઓની ધારાઓ ચાલી.

યમરાજ—અરે, તમે આવડાં દીલગીર શા વાસ્તે થાઓ છો ?