પૃષ્ઠ:Tarlaa.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૬
તરલા અથવા ઉર્મિનો આવેગ


'ભાઇ ! આનંદ છે. પણ ઘણીવાર મને એમ થાય છે કે આપણી જનસમાજના નિયમે વ્યાજબી હશે ખરા ? તે દિવસની આપણી ચર્ચાથી મને સંતોષ થયો નથી. એકને જ ચાહ્ય અને તે પણ વર્ષોનાં વર્ષો લગી એ કેમ બને ?'

‘વસન્ત ! તો પછી માણસ ને પશુમાં શું ફેર પવિત્રતા, મહત્તા અસ્થિર મન રાખી જુદી જુદી વસ્તુઓ પર પ્રીતિ રાખવામાં નથી. ખરી મહત્તા, પવિત્રતા, ઈશ્વરી અંશનો મન ઉપર કાબુ રાખવામાં, એકના-એકભાવ રાખવામાં છે. વસન્ત ! એમાં જ હૃદયની શાન્તિ રહે છે અને એમાં જ ખરી માણસાઈ છે.’

'તે હશે! પણ...'

એટલામાં જમવાની વખત થઈ અને બને મિત્રો જમવા બેઠા. જમ્યા પછી ગામબ્હાર આવેલાં ન્હાના શિવમંદિર તરફ જવા નિકળ્યા. નદી કાંઠે આ નાના શિવાલયમાં ગામડાંના લોકો સાંજસ્હવાર દર્શને આવતા. એના વિશાળ કમ્પાઉન્ડમાં લીંબડાની છાંયમાં દિવસે કે રાત્રે ભજનકીર્તન અને કથા થતી, અને તે વખતે આમંત્રણપત્ર કે સ્ત્રીસંસ્થા વગર જ સ્ત્રીઓ પણ આ મીટીંગમાં હાજર રહેતી. આ મીટીંગ દ્વારા બાળક, વૃદ્ધ, સ્ત્રી, પુરૂષને ઈશ્વર ભક્તોના ગુણ કાને પડતા, અને એમના હૃદયમાં પ્રભુ પ્રેમ જાગતો. અરવિન્દ આવાં કીર્તનો -ભજનોમાં હમેશાં જાતો અને ગામડાના સ્નેહાળ–સરળ લોકોને ઉત્તેજન આપી તેમનાં જીવનમાં રસ રેડતો. આ સ્થળ બતાવવા અરવિન્દ વસન્તને લઈ ગયો. ચાલતાં ચાલતાં અરવિન્દે વાત છેડી.

'વસન્ત! ત્હેં એક વાત મ્હને ના કહી ? ત્હારી સાળી પછી પરણી કે ?' ગમે તે જવાબ મળે તો પણ મ્હને કાંઈ નહી થાય એમ અરવિન્દના મનમાં હતું પણ વસન્તના ઉત્તરથી એ ભ્રાન્તિ દૂર થઈ.

'અરવિન્દ ! તે પરણી નથી અને પરણવા ઇચ્છતી પણ નથી. તે બિચારી પથારીવશ છે અને ડૉક્ટરોએ હવાફેર કરવા કહ્યું છે. એ જીવશે કે કેમ તે જ શક છે.'