પૃષ્ઠ:Tarlaa.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૬
તરલા અથવા ઉર્મિનો આવેગ

પ્રકરણ ૭ મું.
ચંદા અને તરલા.

ભૂજંગલાલને એમને એમ મૂકી ચંદાભાભીનું નામ સાંભળતાં જ તરલા દોડી. ચંદાભાભી આમ અહીં ક્યાંથી? એ વિચાર થતાં જ કાંઈ કાંઈ તર્કવિતર્ક થવા લાગ્યા. ચંદાભાભીને જોતાં જ તરલા સ્હામી ગઈ અને નણંદ ભોજાઈ હિંચકા ઉપર બેઠાં.

'ભાભી ! આમ અચાનક ! સામાન ઘેર મૂક્યો છે? બંગલાનું બાયે કહ્યું? તાર કે કાગળ કેમ નહિ ? ભાઈ આવ્યા છે ? છોકરાં ક્યાં ?'

'તરલા! તમારે અમારું શું કામ છે ? ભાઈ ભાભી પડે ને ઉંડા ખાડામાં. છોકરાં ? છોકરાં તમને વ્હાલાં છે કે ? હં–ને તરલા બ્હેન! તમે કોની સાથે વાત કરતાં હતાં ? તમારી અને સુમનલાલની ખાનગી ગોઠડીમાં મ્હેં ભંગાણ તો પડાવ્યું નથી ને?'

તરલાના હૃદયનો તાર તૂટ્યો ! ભાભી આમ કેમ બોલતાં હશે ? મ્હારી વાત જાણતાં હશે ? સુમનલાલ સાથે જ વાત કરતી હતી એમ કહું કે સાચે સાચું કહું ? એમના મનમાં શું હશે?

'તરલા ! કેમ ન બોલ્યાં ?'

'ભાભી! એ તો ભૂજંગ—'

'અચકાવ છો શા માટે? આપણામાં પતિનું–વરનું નામ ન દેવાય એવો રીવાજ છે, બાકી બીજાનું નામ દેવામાં શરમ કે બીક શાની?'

ભૂજંગલાલ બીજા કે સુમનલાલ બીજા? એ ક્ષણવાર તરલા કહી શકી નહી.

'ભાભી ! સુમનલાલ તો જતા રહ્યા છે...'

‘કેમ વારૂ? તમે એને પસંદ ન પડ્યાં કે એ તમને પસંદ ન પ્ડ્યો?'

'કાંઈક બન્ને !'