પૃષ્ઠ:Tarlaa.pdf/૨૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૬૬
તરલા અથવા ઉર્મિનો આવેગ


બાળવા લાગી, અને તરલા વિના સંસાર નિરસ લાગવાથી, એકલો ભટકી જીવન પૂરું કરવાનો નિશ્ચય કરી, ડાક્ટર આશા આપે તો બોલાવજો કહી અહીં આવ્યો. સુમન ભૂત અને ભવિષ્યને વિચાર કરતો હતો, સંસાર મીઠો કે ખારો એ એનાથી સમજાતું નહોતું, લાગણીઓ–ઉર્મિઓના આવેગો એને કઈ કઈ સ્થિતિમાં લાવી મૂક્યો હતા. અત્યાર સુધી તરલાથી છૂટવા ઈચ્છતો હતો, જ્યારે મૃત્યુ એને તરલાથી છૂટો કરવા તૈયારી કરતું હતું ત્યારે તે તરલાથી સંયોજાવા ઇચ્છતો હતો.

સુમન આમ ને આમ કલાક પડી રહ્યો. હોટલવાળાના નોકરે ચાહનો પ્યાલો મુક્યો ને સ્વનામાંથી જાગ્યો હોય એમ ચોગરદમ જોયું. પોતાની સ્થિતિનું ભાન થયું અને યંત્રની માફક ચાહ પી, સાંજરે મારી વાટ ન જોશો કહી લુગડાં પહેરી બહાર નીકળ્યો. સંધ્યાકાળનાં બેંડસ્ટેન્ડ, બેકબે, ચોપાટી ઉપર ફરતા ફરતા કુદરતી અને કૃતિમ [૧] સૃષ્ટિ નિહાળતો વાલકેશ્વરના ઢળાવ સુધી ગયો. ત્યાંથી પાછા ફર્યો. ગામદેવી સ્ટ્રીટ થઈ ગ્રાન્ટ રોડના સ્ટેશન ઉપર આવ્યો. સાડાઆઠ થઈ ગયા હતા. પોતાને હોટલમાં જવા ચર્ચગેટ જવું હતું. ડાઉન પ્લેટફોર્મ ઉપર ઘડીયાળ જોઈ બહાર નિકળ્યો. રેલ્વેના અંદરના પૂલ ઉપર થઈ સામી બાજુ જવા પૂલના દાદરના બારણા પાસે આવ્યો ત્યાં બારણું બંધ. “સમારકામ ચાલતું હોવાથી કાલ સવાર સુધી બંધ રહેશે” એવી નોટીસ વાંચી. જવા દેવા પોલીસને સમજાવ્યો, પણ નિરર્થક. કંટાળેલો, ગાળો દેતો પાછો ફર્યો અને ગાડીઘોડાનો મોટો પૂલ એળગી બીજી બાજુએ આવ્યા. લોકલ એક ચાલી ગઈ હતી. હવે ગુજરાતની ફાસ્ટ પેસેન્જર આવવાનો વખત થયો હતો અને એ ગાડી સાધારણ રીતે બહુ રોકાતી હોવાથી સુમન એની પછીની લોકલમાં ચર્ચગેટ જવાનો હતો એટલે સ્ટેશનના પ્લેટફેર્મ ઉપર લટાર મારતો હતો.


  1. ૧. બનાવટી ( artificial).