પૃષ્ઠ:Tarlaa.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૯
તરલાની પાછળ લાગેલો સાપ.


તરલા ગાડીમાં બેઠી અને એને પ્રિય સુમનલાલ અને નાનો કીકો સાંભર્યો. તરલા કોરીડર ટ્રેઇનમાં સ્ત્રીઓના ડબ્બામાં બેઠી હતી. ડબામાં સુરત, અમદાવાદનાં ઉતારૂઓ હતાં ત્હેમની સાથે નજીવી વાત કરી, પણ તરલાને ત્હેમાં રસ પડ્યો નહીં. તરલાની સાથે એક કામ કરનારી બાઈ હતી. તરલાએ 'ગપસપ' કાઢી વાંચવા માંડયું, પણ 'ગપસપ' માં રસ પડ્યો નહી. બારીઓ બંધ હતી, કાચના બારણા ઉપર વરસાદનાં ટીપાં પડતાં હતાં, પવન ઠંડો ફુંકાતો હતો. માથું કાચની બારીને ટીકવી, હાથમાં 'ગપસપ' લઈ તરલા વિચારમાં પડી. મુંબાઈના બે દિવસ નજર આગળ સીનેમેટોગ્રાફની ફિલ્મ માફક આવ્યા.

મુંબાઈ! ભાભીની વ્યાજબી રીસ, ભાઈ-ભાભીનો સંપ, લીલા, અરવિન્દ, ભૂજંગલાલ. ભૂજંગલાલનું નામ આવતાં જ ભૂજંગ–સાપ કરડ્યો હોય એમ ચમકી. ‘જતાં વાત જ ગ્રાન્ટરોડ ઉપર ભૂજંગલાલ મળ્યો. કેવો ઉદાર! પેલા મરનારની બૈરીને બસો રૂપીઆ મ્હારા કહેવાની સાથે જ આપ્યા. પાર્ટીમાં પણ સર્વ કઇ ભૂજંગલાલ તરફ જ જોતું. કેટલાં બૈરાં ભૂજંગલાલ સાથે વાત કરવા ઉત્સુક હતાં પણ તે તો મારી સાથે જ વાત કરતો. ત્યારે લીલા! મ્હારી સાથે વાત શા માટે ? એ તો લીલાને પરણવાનો, અને હું તો સુમનલાલને. મારે તો સુમનલાલને પરણવું પડશે ને! સુમનલાલ અને ભૂજંગલાલ બેમાં કાણ ચડે? અરે! આવા વિચાર જ શા માટે ? પાપમાં પડવા ! હમણાં તો ચંદા ભાભીને શિખામણ આપી આવી એટલામાં હું જ...'

ગરીબ બિચારી તરલાનું મગજ ખસ્યું. ટ્રેઈન ફાસ્ટ દોડી જતી હતી. ઝાડ, નાનાં સ્ટેશનો જતાં હતાં પણ તરલાને ત્હેનું ભાન નહોતું, એટલામાં ગાડી ઉભી રહી અને 'વલસાડ દસ મિનીટ ” ની તીણી બૂમ તરલાના કાનમાં જતાં જ જાગી ઉઠી. નોકર બાઈ આવી બોલી. 'બ્હેન ! ચાહ પીશો ?'

'હા. ચાલ આપણે જ બહાર જઈએ.'