પૃષ્ઠ:Thag.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪:ઠગ
 

એકલા જશો તો હિંસક પ્રાણીઓ અને જંગલી ભીલોના પંજામાંથી જીવતા જઈ શકશો કે કેમ એની મને ખાતરી નથી. આપને મારો પરિચય નથી એટલે મારે માટે પણ આપને શંકા આવતી હશે. પરંતુ હું મારી આ સમશેરના સોગન ખાઈને કહું છું આપનો વાળ પણ વાંકો નહિ થવા દઉં ! અને આવતી કાલ પ્રભાતમાં તો આપ આપના તંબુમાં પહોંચી ગયા હશો.'

આટલું બોલતાં બરોબર તેણે એક તાળી પાડી. એ તાળીના અવાજ સાથે ટેકરાઓને ઓથેથી ચાર માણસો અચાનક ફૂટી નીકળ્યા. એ ચારે જણા અમારી સામે અત્યંત અદબ વાળીને ઊભા. યુવકે તેમને આજ્ઞા કરી:

‘સાહેબને આપણા મઠમાં ઉતારો. તરત હું આવું છું. સાહેબને કશી વાતની અડચણ પડે નહિ. એ જોજો.'

મારે તો કાંઈ લાંબે જવાનું હવે રહ્યું નહિ. ચાર હથિયારબંધ ભયંકર માણસોની સાથે ગમે તેમ કરીને પણ મારે જવું જ રહ્યું. હું નિરાધાર સરખો ઊઠ્યો, અને હુમલો ઉઠાવવાની મને બિલકુલ ટેવ નહિ. છતાં પેલા યુવકની આજ્ઞા કચવાતે હૃદયે સ્વીકારી. પેલા માણસોએ મને રસ્તો બતાવવા માંડ્યો.

‘સાહેબ ! જરા પણ શંકા લાવશો નહિ. બેધડક મારા સ્થાન ઉપર જાઓ. બે ઘડીમાં હું આપને આવી મળીશ.' જતે જતે તે યુવકે કહ્યું.

અમે ચાલવા માંડ્યું. યુવક હજી પોતાને સ્થાને એકલો જ ઊભો હતો. તેનું આકર્ષક મુખ અને અત્યંત વિનયભરેલું વર્તન મારા સરખા પરદેશીને ચકિત કરી નાખવા માટે બસ હતાં.

એ કોણ હશે ?