પૃષ્ઠ:Thag.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.૨૨
 
ખોવાયેલા હારનો પત્તો
 


ખાણાના નિયમો બાજુએ મૂકી હું તત્કાળ ઊઠ્યો. સેક્રેટરીને વાત પૂછી તો નામદાર સાહેબનાં બાનુનો હાર ખોવાયાની વાત ખરી પડી. આટલા આટલા માણસો વચ્ચેથી હાર તેમના સગા ગળામાંથી ગુમ થાય એના જેવી બીજી નવાઈ શી ? જાદુગરના જાદુ કરતાં આ જાદુ વધારે અદ્દભુત હતો. મને જાદુગર જ સાંભર્યો. મને તેને માટે પ્રથમ જ શક પડ્યો હતો, અને કોઈને ખબર ન પડે એમ મારા ત્રણ માણસો તેના ઉપર નજર રાખવા માટે મેં ક્યારનાયે યોજી દીધા હતા. જાદુગર ગયાને વધારે વખત થયો નહોતો, અને મારા માણસો તેની પાછળ હતા, એટલે કાંઈ પણ બાતમી મળવી જોઈએ એવી મારી ખાતરી થઈ. હું પણ મકાનથી બહાર નીકળી આવ્યો. જાદુગર કયે રસ્તે ગયો હતો. તે બાબત મેં ચારપાંચ માણસોને પૂછ્યું, અને મને મળેલા જવાબ પ્રમાણે મેં રસ્તો લીધો.

બાતમી મેળવવા મોકલેલા માણસોમાંથી એક જણ મને મળ્યો. જાદુગર અને તેના સાથીદારો શહેર બહાર અમુક રસ્તે ચાલ્યા જતા હતા, અને તેમની પાછળ બીજો અમારો માણસ પણ પડેલો જ હતો. એવી ખબર તેણે કહી. તેના દોરવા પ્રમાણે હું ઝડપથી આગળ વધ્યો. જાદુગરોના માણસો જેવું એક નાનું ટોળું આગળ જતું હોય એવો મને ભાસ થયો.

પરંતુ તે ટોળાની પાસે પહોંચતાં તે ટોળું તો કોઈ જાત્રાળુ સ્ત્રીપુરુષોનું લાગ્યું. કોઈક દેવનાં દર્શન કરવા તેઓ જતાં હતાં. જાદુગરનાં કોઈ ચિહ્ન તેમનામાં જણાયાં નહિ. તેમણે એવા કોઈ ટોળાને જોયું પણ નહોતું. બાતમી ખોટી પડી. મારા માણસ ઉપર હું ચિડાયો અને પાછો વળ્યો. પાછા વળતાં શહેરની નજીક એક ઘોડેસ્વાર શહેરમાંથી ધસ્યો આવતો મેં જોયો. ચોરની શોધમાં નીકળનારને બધાયમાં ચોરનો ભાસ થાય છે. તેની દુરથી દેખાતી મુખાકૃતિ, તેના ઘોડાનો વેગ, એ બધાનો વિચાર કરી મેં માન્યું કે જાદુગરની ટોળીના માણસોએ મારા માણસને થાપ આપી હવે નાસી જવા તરકીબ કરી હતી. મેં તે ઘોડાને રોક્યો જ હોત, પરંતુ ઘોડેસ્વારે મને જોઈને જ ઘોડો રોકી દીધો. તે નીચે ઊતર્યો અને હું જોઉં છું તો મારી નજર આગળ કોણ હતું ?