પૃષ્ઠ:Thag.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
 
અણીનો વખત
 


આ મુજબ લગભગ એક અઠવાડિયું મુસાફરી કરી. રસ્તામાં ચાલતાં કોઈ જંગલની બાજુમાં આવેલી ઝૂંપડીઓમાં રાત્રે અમે સૂઈ રહેતા. આ ઝુંપડીઓમાં ખાસ જોવા જેવું એ હતું કે ઉપરથી સાધારણ વસતિ વગરની લાગતી એ ઝૂંપડીઓમાં અંદરથી ભોંયરાં હતાં, અને તેમાં વસાયતને લાયક ઓરડાઓ કોરી કાઢેલા હતા. તેમાં સાધારણ સારી જાતના ખાટલા, પાથરણાં, વાસણ વગેરે નજરે પડતાં અને ખોરાકનાં પૂરતાં સાધનો પણ રહેતાં.

મને બહુ નવાઈ લાગી. મેં એક દિવસ સમરસિંહને પૂછ્યું :

‘આ બધાં તમારાં ઠગ લોકોનાં થાણાં છે કે શું ?’

‘હા, જી. અમારા આ જંગલના વસવાટમાં અમે શહેરોનાં સાધનો મેળવીએ છીએ. પરંતુ તેથી એમ નથી સમજવાનું કે શહેરોમાં પણ અમારાં સ્થાન નહિ હોય. હવે આપણે એક શહેર જોઈશું.’

આ ઝુંપડીવાળા સ્થળથી નીકળી રાત્રે અમે એક શહેરમાં પહોંચ્યા. મધ્ય હિંદુસ્તાનનું આ એક જાણીતું શહેર હતું - અને હું પોતે પણ અહીં ઘણી વખત આવ્યો હતો.

‘કેમ સાહેબ ! આ શહેર તો આપનું જાણીતું છે, નહિ ?' તેણે પૂછ્યું.

મેં હા પાડી. અંગ્રેજોને રહેવા માટે એક સુંદર અલગ લત્તો હતો. તે બાજુએ અમે અમારા ઘોડા દોર્યા. રસ્તાની ધૂળ, તાપ અને થાકથી મારું મુખ લગભગ હિંદવાસી સરખું જ શ્યામ બની ગયું હતું. અમને કોઈએ ઓળખ્યા પણ નહિ ! મેં કહ્યું :

‘સમરસિંહ ! તમે મને ક્યાં લઈ જાઓ છો ? આ બાજુએ તો અમારો કેમ્પ છે. તમે પકડાઈ જશો.' મેં કહ્યું.

‘હરકત નહિ. તમે ચાલો તો ખરા !’ કહી તેણે મને આગળ દોર્યો. આખો અમારો લત્તો આમ ને આમ ઘોડા ઉપર અમે પસાર કર્યો. રાત પડવા આવી હતી. કેટલાંક ઓળખીતાં સ્ત્રીપુરુષો પણ મારી નજરે પડ્યા. પરંતુ હું ઓળખાઉ એવો રહ્યો નહોતો.