પૃષ્ઠ:Thag.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬ : ઠગ
 


‘જે સત્તાને તમે આજ નિંદો છો એ સત્તા એવી જબરજસ્ત છે કે તમને ખબર પણ નહિ પડે અને તમે પકડાશો. તેથી જ મારી તમને સલાહ છે કે તમારે અમને મળી જવું જોઈએ. તમે બંનેએ મને ન સમજાય એવી રીતે આભારી કર્યો છે, માટે હું તમને વિનંતિ કરું છું કે તમે ઠગ મટી અમારી પ્રજા બનો.’ મેં કહ્યું.

‘અમારો અને તમારો રસ્તો જ જુદો છે. અમે ઠગ છીએ એમ પુરવાર કરવા તમારી પાસે કાંઈ જ પુરાવા નથી. છતાં હવે મારે જણાવવું જોઈએ કે તમારી માન્યતા અમુક અંશે ખરી છે. અમે જરૂર ઠગ છીએ. આપ અત્યારે માની લો કે અમે તમારા દુશ્મન પણ છીએ. છતાં તમારી અને અમારી ઠગાઈમાં ફેર છે. અમારી ઠગાઈ ઉપર ગેરુનો ભગવો રંગ છે એ આપ જોઈ શકો છો.'