પૃષ્ઠ:Thag.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦: ઠગ
 

ચામડી જોઈ તેઓના આશ્વર્યનો પાર રહ્યો નહિ. ગોરી ચામડી હવે સત્તાની સાર્વભૌમપણાની નિશાની તરીકે લેખાવા લાગી હતી.

અમારી પાસે બેઠેલા સાધુએ બૂમ મારી : ‘શું છે, ભાઈ ! અમારી ખાખીઓની જમાત છે. અલખની ધૂન લગાવીએ છીએ. અને કાલ સવારે બદરીનારાયણ તરફ પગલાં ભરવાં માંડીશું.’

‘પાસે કોઈ ગામ છે ? પેલા રખેવાળે પૂછ્યું. ચલમ પીવામાં દસેક ક્ષણ વિતાવી પેલા સાધુએ કહ્યું : ‘ગામ તો દૂર છે. જતાં તમને મધરાત થશે. સંધ્યાકાળ તો પડી ગઈ છે.'

બંને રખવાળોના મોં ઉપર ઉદ્વેગ જણાયો. આઝાદે તેમને કહ્યું : ‘આ પાસે ગોરા લોકોનું લશ્કર છે, એકાદ ઘડીમાં પહોંચી જવાશે. તેની પાસે પડાવ નાખો. એટલે તમારો સંઘ સહીસલામત રહે.’

આઝાદનું કહેવું માનવાને તેમને પૂરતાં કારણો હતાં. મને તેમની સાથે જોયા પછી આઝાદ ખોટું કહે છે, એમ તેમને ખ્યાલ આવે એમ હતું નહિ. અને આઝાદનું કહેવું ખરું પણ હતું. ગોરા લશ્કરની ઓથમાં જરૂર સંઘને સહાય મળે.

‘તમે ક્યાં જાઓ છો ?' પેલા રખવાળે આઝાદને પૂછ્યું.

'આ સાહેબની સાથે શિકારે નીકળ્યો હતો. વચ્ચે આ મહાત્મા મળી ગયા. સાહેબની ઇચ્છા થઈ કે આ લોકોને ઓળખીએ અને તેમની સાથે વાત કરીએ, એટલે અહીં બેઠાં છીએ.' આઝાદે ખાતરી પડે એવી હકીકત કહી, અને તત્કાળ પેલા સાધુ સાથે વાતોમાં ગૂંથાઈ ગયો. રખેવાળોને વિશ્વાસ પડ્યો.