પૃષ્ઠ:Trishanku.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્યમવર્ગનું અર્થશાસ્ત્રઃ ૧૦૧
 

'હા.' કિશોરે એકાક્ષરી જવાબ આપ્યો. કોઈની સાથે વધારે વાત કરવાની કિશોરને ઇચ્છા હોય એમ લાગ્યું નહિ. છતાં દર્શને કહ્યું :

‘મારે થોડું કામ હતું...'

'મારું? કે સરલાનું ?' દર્શનને તેનું વાક્ય પૂરું કરતાં અટકાવી કિશોરે પ્રશ્ન કર્યો.

'આપનું બન્નેનું.' દર્શને ડહાપણ ભરેલો જવાબ આપ્યો. પારકા ઘરમાં કામ પાડવું હોય તો એકલા પતિનું કે એકલી પત્નીનું એ કામ ન જ હોવું જોઈએ, એ ડહાપણનો માર્ગ છે. પરંતુ દર્શનના ડહાપણને નિરર્થક કરતો કિશોરનો જવાબ તેને મળ્યો :

‘સરલા ઘરમાં જ છે ને ? જે કામ હોય તે એને પૂછી જોજો.' કહી કિશોર આગળ વધ્યો અને ચાલીમાંથી અદ્રશ્ય થયો. બાળકો વીલાં બની માની સોડમાં ભરાઈ ગયાં; સરલાની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં; તારાના મુખ ઉપર પણ ભયંકર વિષાદની છાયા ફરી વળી. બાળકોને લઈ સરલા અને તારા પાછાં પોતાની ઓરડીમાં ચાલ્યાં ગયાં. તારાએ દર્શન સામે જોયું ખરું, પરંતુ એની આંખમાં આવકાર તો ન જ દેખાયો; પરંતુ જાણે ઓળખાણ પણ ન હોય એવો દર્શનને ભાસ થયો. દર્શન કિશોરના મિત્રનો નાનો ભાઈ. કિશોરના જ નાના ભાઈ તરીકે કિશોરે અને સરલાએ ગઈ કાલ સુધી તેની સાથે વર્તન રાખ્યું હતું. તારાની ઊંડી લાગણીને એ વધારે ઉત્તેજન આપતો નહિ. એ કુટુંબમાં શું બન્યું એ જાણવાનો પોતાને હક્ક છે એમ માની બારણે ટકોરા મારી દર્શન પણ બેત્રણ મિનિટ પછી કિશોરની ઓરડીમાં દાખલ થયો, અને એણે જોયું કે સહુનાં મુખ અત્યારે ઊતરી ગયેલાં છે અને સરલાની આંખમાંથી આંસુ સુકાયાં નથી ! દર્શને જતાં બરોબર પૂછ્યું :

'આજ કોઈને કંઈ શીખવું નથી શું ? છોકરાં પણ નહિ, તારામતી પણ નહિ ! કોઈ કેમ દેખાયું નહિ? કેમ આમ આજ..?'

‘તમે જમી લો, દર્શનભાઈ ' જરા ભારે સાદે આંખ લૂછતે લૂછતે સરલાએ દર્શનના પ્રશ્નનો જવાબ આપ્યો. જમવાનું આમંત્રણ એ કંઈ પ્રશ્નનો જવાબ ન હતો. એટલે દર્શને સ્પષ્ટતાથી પૂછ્યું :

'આજ કિશોરભાઈ કંઈ નાખુશ છે શું? એવું કાંઈ બન્યું છે શું?'

'ના રે ! એ તો અમસ્તુ જ. ચાલ્યા કરે જિંદગીમાં ! તારાબહેન ! દર્શનભાઈને જમાડી લો.' સરલાએ કહ્યું.

'હું નહિ જમું... જ્યાં લગી તમે મને મારા પૂરતો ખર્ચમાં ફાળો