પૃષ્ઠ:Trishanku.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪: ત્રિશંકુ
 


પરંતુ આ પગારદિન પાછળ હાસ્ય હતું, આનંદ હતો, ફલિત આશા હતી. સરલાના ધ્યાનમાં એવા પણ પગારદિન હતા જેની પાછળ રુદન હતું, ક્લેશ હતો, નિરાશા હતી.

‘આનંદનો દિવસ ?... કોણ કહે છે એ ?' એવા શબ્દો સરલાને કાને પડતાં બરાબર તેની નજર સામે એક સારી ગાદીતકિયા પાથરેલી પેઢી દેખાઈ. ગુમાસ્તાઓ ગાદીનશીન શેઠની આસપાસ ભેગા થયા હતા, અને તેમની અને શેઠની વચ્ચે થઈ રહેલી વાતચીત સરલા સાંભળી રહી હતી.

'જુઓ ભાઈ ! પૈસા મંગાવ્યા છે, પણ હજી મળ્યા નથી. આપણી કાંઈ સરકારી પેઢી ઓછી છે કે તારીખ ઠરે એ દિવસે પગાર મળી જ જાય ! અહીં તો વહેલુંયે થાય અને મોડુંય થાય.' શેઠસાહેબ અત્યંત શાંતિથી માણસોને સમજાવી રહ્યા હતા. એમની શાંતિનો ભંગ થાય એવી પૈસાની તૂટ તેમને હજી પડી ન હતી.

'પણ...' એકાદ નોકરે હિંમત ધારણ ક્રી દલીલ આગળ વધારવ પ્રયત્ન કર્યો. ત્યાં તો એ પ્રયત્નને એકાએક દાબી દેતો શેઠનો સાદ તેને કાને પડ્યોઃ

‘પણ બણ કાંઈ નહિ. અહીં તો એમ જ ચાલવાનું. જેને ન ફાવે એ કાલથી ન આવે !'

પેઢીમાં કામ કરી શેઠસાહેબની સમૃદ્ધિ વધારતા ગુમાસ્તાઓ ઉદાસ ચહેરે વેરાઈ જતા દેખાયા.

સરલાને પગારદિનનાં એથીયે ઘેરાં સ્મરણો હતાં ખરાં. એક કારખાનાની વિશાળ રચનામાં એક ઓટલો તેને દેખાયો, અને ઓટલા નીચે મજૂરોનો સમૂહ દેખાયો. કેટલાક મજૂરો બેઠા હતા, કેટલાક ઊભા હતા અને કેટલાક આવતા જતા હતા. એક મજૂરનો અવાજ આવી રહ્યો હતો :

'પરંતુ પગારદિન તો... અમારો શૂળીદિન !....પગાર ન મળે તો !... પગાર મુલતવી રહે એટલે અમારે તો મરવાનું !'

કોટ-પાટલૂન પહેરેલો કારખાનાનો એક અમલદાર, અને ચારેક મજબૂત ગુંડાઓની યાદ આપતા માણસો ઓટલે ઊભા ઊભા જવાબ આપી રહ્યા હતા :

'બીજો ઇલાજ નથી. આજ પગાર મુલતવી રહેશે.' અમલદારે જવાબ આપ્યો.

'પણ કંઈ કારણ? સાહેબ !' મજૂરે પ્રશ્ન કર્યો.

આ પાછો કારણ પૂછનારો ! ખબર નથી દંડની રકમ ગણવામાં ભૂલ