પૃષ્ઠ:Trishanku.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬: ત્રિશંકુ
 

રડતા કુટુંબને બાજુએ ખસેડી કિશોર આછીપાતળી આશામાં જગજીવનદાસ શેઠને બંગલે આવી પહોંચ્યો. ઘરમાં શેઠ હતા નહિ. મધરાત સુધીમાં ઘેર આવે એનું નામ શેઠ નહિ ! બંગલો કિશોરને આછોપાતળો જાણીતો હતો; નોકરો પણ જાણીતા હતા. તેમણે કિશોરને બહારની ખુલ્લી ઓસરીમાં એક ખુરશી ઉપર બેસાડ્યો હતો. કુટુંબીજનો સૂઈ ગયાં હતાં અને નોકરો સૂવાની તૈયારી કરી રહ્યા હતા, બંગલામાં પ્રકાશ ઝાંખો કરી નાખવામાં આવ્યો હતો. ઠંડી તો એટલી બધી હતી કે વચ્ચે વચ્ચે કિશોર બેઠો બેઠો કંપી ઊઠતો. ઘડિયાળમાં બરોબર બારના ટકોરા થયા. દૂર બગીચાના કમ્પાઉન્ડનું બારણું કોઈ માણસે ખોલ્યું અને પ્રકાશ ભરેલી જગજીવનદાસની 'કાર' વિજયી ચક્રવર્તી સરખી અંદર ધસી આવી. કારમાંથી ઊતરીને ઓસરીનાં પગથિયાં ઉપર જગજીવનદાસ શેઠ ચડ્યા. ખાણીપીણી તથા ગીતનૃત્યની - કોઈ મોજશોખની - અતિશયતાનો ચમકાર તેમના મુખ ઉપર ચમકી રહ્યો હતો; સાથે સાથે એ ચમકાર પાછળ ખિન્ન અસ્વસ્થતા પણ વચ્ચે વચ્ચે તરી આવતી હતી અને તે દેહને માટે પથારી માગતી દેખાતી હતી. સરસ લાકડીને ટેકે તેઓ પગથિયાં ચડી ઉપર આવ્યા અને આશ્ચર્યસહ કિશોરના નમસ્કારને તેમણે ઝીલ્યા.

'તમે ક્યાંથી? અત્યારે ! આવી મોડી રાત્રે ?'

'બહુ જરૂરનું કામ છે, શેઠસાહેબ !'

‘જરૂરનું કામ તમને સોંપ્યું છે ! એમાં કહેવા શા માટે આવો છો ? કહ્યું છે તે કરી નાખો.'

'શેઠસાહેબ ! જરા મુશ્કેલી ઊભી થઈ છે.'

‘જરા મુશ્કેલીનો ઉકેલ કરી નાખો.'

'મારાથી ઊકલે એવી નથી.'

'અરે શું તમે કિશોરકાન્ત ! આવી ઠંડીમાં ઘેર સૂઈ રહેવાને બદલે કઈ મુશ્કેલી ઊભી કરી લાવ્યા છો ?'

'જરા શાંતિથી સાંભળવા જેવી છે.'

‘એમ ? ત્યારે આવો અંદર. પણ જલદી પાર લાવો; ભણેલાઓ જેવું બહુ લંબાણ ન કરશો.' શેઠસાહેબે કહ્યું અને ઓસરી પાસેની શેઠને કામ કરવાની સુશોભિત ખોલીમાં પ્રકાશ થયો, અને ખોલી અંદરથી ઊઘડી. શેઠસાહેબ અંદર જઈ એક આરામખુરશી ઉપર આરામથી બેઠા; પાસેના સ્ટૂલ ઉપર લાકડી મૂકી. કોઈ પણ જંજાળ સહન કરવાની તેમનામાં શક્તિ ન હોય એવું તેમના મુખ ઉપરથી લાગતું હતું. કિશોર તેમની સામે પોતાનો