પૃષ્ઠ:Trishanku.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દુઃખ-પોલીસ અને દુઃખમાં સહાયઃ ૧૩૯
 


'એની આંખ નહિ રડતી હોય, પરંતુ એનું હૃદય જરૂર રડતું હશે... હું એના હૃદયને ઓળખું છે.' સરલાએ કહ્યું.

'આવું ઉમદા કુટુંબ પામીને કિશોરભાઈનું હૃદય પણ શા માટે રડે ?' દર્શને કહ્યું.

'કુટુંબ... ઉમદા !' સરલાની આંખ પાછી જરા ઘેલી બની.

'ભાભી ! બહુ કુટુંબો મેં જોયાં.... હજી કુટુંબો જોયા જ કરું છું. તમારા સરખું કુટુંબ અને તમારા સરખી પત્ની મેં ક્યાંય જોયાં નહિ.' દર્શન સરલાને ધારણ આપવા માંડી, પરંતુ સરલા અત્યારે સ્વપરીક્ષામાં પડી હતી.

‘મારા સરખી પત્ની ! નખશિખ નિરુપયોગી !'

‘તમે ? નિરુપયોગી ? તમને કોણ નિરુપયોગી પત્ની કહી શકે ?' દર્શને જરા ચમકીને સરલાના વિચારનો માર્ગ પરખ્યો.

‘જુઓ, દર્શનભાઈ ! લગ્નના બદલામાં આખોય જીવનભાર પતિને ખભે રાખનારી પત્ની નિરુપયોગી નહિ તો બીજું કોણ નિરુપયોગી ?' સરલાએ પોતાનું દૃષ્ટિબિંદુ રજૂ કર્યું.

અત્યાર સુધી રડી રહેલી, પરંતુ દર્શન અને સરલાની વાતચીતમાં પોતાનું મન પરોવી રહેલી તારાએ પહેલી જ વાર કહ્યું :

'ભાભી ! આપણે ભાઈને ખભેથી ભાર જરૂર ઓછો કરીશું.' પરંતુ તારાને યાદ આવ્યું કે ભાઈનો ભાર ઓછો કરવાના પ્રયત્નમાંથી કુટુંબવ્યવહાર વાંકો બનતો ગયો હતો.

'એટલામાં શોભા અને અમર રડતાં રડતાં ઓરડીમાં આવ્યાં. એ. બન્ને બાળકો પણ ડૂસકે ભરાઈ ગયાં હતાં. તારાએ તેમને પૂછ્યું :

'શું થયું શોભા? કેમ રડે છે તું, અમર ?'

'છોકરાં મને ચીડવે છે - ચોરની દીકરી કહીને !...મા ! બાપુજી ક્યાં ગયા ?' શોભા જવાબ આપતાં વધારે રડી પડી.

‘પણ માં ! બાપુજી કદી ચોરી કરે ખરા ?' અમરે ઉત્તર ન દેવાય એવો પ્રશ્ન કર્યો અને સરલાએ અમરને કાંઈ પણ જવાબ ન આપતાં દર્શનને કહ્યું:

‘દર્શનભાઈ ! મને લાગે છે કે હું હવે આ ઘર છોડી દઉં.'

‘એ બધું થઈ રહેશે. તે પહેલાં કિશોરભાઈને જ્યાં હોય ત્યાંથી અહીં લઈ આવીએ. હિંમત રાખો તો એ બની શકશે.'

‘હિંમત ?...હવે હું પગ ભાંગીને બેસીશ તો અમારાં ચારેનાં જીવન ભાંગશે.' સરલાએ જવાબ આપ્યો.

‘ભાભી ! જીવન તો એક સંગ્રામ છે. કિશોરભાઈ, તમે અને હું સૌ