પૃષ્ઠ:Trishanku.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દુઃખ-પોલીસ અને દુ:ખમાં સહાયઃ ૧૪૩
 

મારી સાથે આવ્યાં છે.' દર્શને જવાબ આપ્યો.

‘એમ ?' શેઠસાહેબ જરા ચમકી ઊઠ્યા. એકલા શેઠસાહેબ જ નહિ, પોલીસ અમલદારો પણ !

‘હા જી. એમાં ચમકવાનું કારણ નથી. સરલાભાભી ! આપી દો એ પૈસા.' દર્શને કહ્યું.

અને સરલાએ ઊભાં થઈ જગજીવનદાસ શેઠની સામેના મેજ ઉપર નોટનો ચોડો મૂક્યો અને તે પાછી પોતાની ખુરશી ઉપર બેસી ગઈ.

'ઓહો !... અંદરખાનેથી મને તો ખાતરી જ હતી કે કિશોર કદી માલિકના પૈસા લઈને ભાગે જ નહિ... પણ પછી શા માટે એ મધરાતે. આવીને જૂઠું બોલ્યો ?' શેઠસાહેબ બોલી ઊઠ્યા.

‘એ કદી જૂઠું બોલે જ નહિ.' સરલાએ પતિના વર્તનનો બચાવ કર્યો.

'આ નોટો તો તમે લાવીને મૂકો છો. શા માટે મને કિશોરે એમ કહ્યું કે એના છોકરાએ નોટો બાળી મૂકી ?' શેઠસાહેબ બોલ્યા.

'છોકરાએ આપની નોટો બાળી નાખી એ વાત તદ્દન સાચી. પરંતુ હું એટલી જ રકમ લાવી એમનું દેવું ભરપાઈ કરું છું એ વાત પણ એટલી જ સાચી.' સરલાએ જવાબ આપ્યો.

જગજીવનદાસને કિશોર સાથેની વાતચીતનો ખ્યાલ આવ્યો. એણે પૈસા ભરપાઈ કરી આપવા માટે ચોવીસ કલાકની મહેતલ માગી હતી. એટલી મહેતલ પોતે આપી ન શક્યા અને કિશોર તેમને ફટકો લગાવીને ભાગી ગયો હતો. એની પત્ની તો ચોવીસ કલાક વીતતા પહેલાં માગતી ૨કમ આપવા આવી ગઈ હતી એ જોઈ શેઠને લાગ્યું કે તેમણે મહેતલ આપી હોત તો વધારે સારું થાત. પરંતુ ઈશ્વર જે કરે છે તે સારાને માટે જ કરે છે એમ ધર્મનિષ્ઠ જગજીવનદાર્સ માની લીધું. તેમણે મહેતલ આપી હોત તો કિશોરની પત્ની સરખી રૂપાળી સ્ત્રીને નીરખવાનો તેમને કદી પ્રસંગ આવ્યો જ ન હોત ! તેમણે સહાનુભૂતિ દર્શાવતાં કહ્યું :

'હું જાણું છું. બહેન ! કિશોરને તો રોજ ઊઠીને કોઈ મજૂરનું દેવું પતાવવાનું હોય કે કોઈ ગુંડાના પંજામાંથી એકાદ કારકુનને ઉગારવાનો હોય ! એ વાત સારી છે. પણ પોતાની શક્તિ જોઈને સારા કામમાં પડવું. હું તો એને કેટલુંય કહેતો કે એણે પારકી પંચાતમાં ન જ પડવું એ વધારે સારું છે.'

‘પણ હવે શું થાય ?' સરલાએ પૂછ્યું. લગભગ એના જવાબ રૂપે શેઠસાહેબે ખૂબ કરુણા દેખાડી પોલીસ અમલદારને કહ્યું :