પૃષ્ઠ:Trishanku.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
 
પગ ઉપર ઊભું રહેતું કુટુંબ
 


કિશોરની દુનિયા બદલાઈ ગઈ એટલે સ્વાભાવિક છે કે કિશોરના કુટુંબની દુનિયા પણ બદલાઈ જાય. કિશોરને ગુનેગાર પુરવાર થયેલા માનવો કેદખાને મળ્યા; કિશોરના કુટુંબને કેદખાનાની બહાર રહેલા ગુનેગાર તરીકે પુરવાર ન થયેલા માણસો સાથે ખભા અથડાવવાનો પ્રસંગ આવ્યો. જૂની ચાલી રહેઠાણ બદલી નાખવું પડ્યું અને નગર બહારના એકાંત ભાગમાં મળેલા એક ખંડેરિયાને ઘર તરીકે સ્વીકારવું પડયું. એ ઘરમાં પણ ચોવીસે કલાક રહેવું અશક્ય હતું. કમાણી કરનાર કિશોર કેદખાનાના સળિયા પાછળ હડસેલાઈ ગયો અને તેની પાછળ કમાણી પણ ગઈ. બહુ દિવસથી જેની કલ્પના કુટુંબ કર્યા કરતું હતું તે સ્વકમાણીનો યુગ એકાએક તેમને માથે આવી પડ્યો, અને સહુ કોઈ ઘરમાં અગર ઘર બહાર કોઈ ને કોઈ કમાણી કરવા પ્રવૃત્ત થઈ ગયાં.

એક ભરચક રસ્તા ઉપર ફેરિયાઓના અવાજ સંભળાતા હતા. થોડા છોકરાઓ બૂમ પાડીને ‘વિજય' નામનું પેપર વેચતા હતા : ‘વિજય ! વિજય’ દોઢ આનો - ઠંડું યુદ્ધ ! પરદેશી કાવતરું ! સામ્યવાદીઓનો સળવળાટ ! અમેરિકન દોંગાઈ !'

રસ્તાની એક બાજુએ નાનકડી શોભા તડકામાં ઊભી ઊભી એ પત્રની છેલ્લી નકલ વેચી દે છે. છેલ્લું પત્ર ખરીદનાર યુરોપીય ઢબનાં સરસ કપડાં પહેરેલો પુરુષ નકલ લેતા શોભાને પૂછવા લાગ્યો :

'છોકરી ! તું ફેરિયા બની છું?'

'હા જી.' શોભાએ કહ્યું.

'હું તને કેટલા દિવસથી જોઉં છું તારે છાપું કેમ વેચવું પડે છે ?'

'મને બહુ મઝા પડે છે. રોજ નવું નવું વાંચવાનું પણ મળે છે.’

‘હજી દુનિયાના કોઈ પણ દેશમાં ફેરિયા તરીકે છાપાં વેચતી છોકરી મેં જોઈ નથી. તારે માબાપ છે, છોકરી ?'

‘હા જી.' જરા મૂંઝાઈને શોભાએ જવાબ આપ્યો. અને વાતચીત કરનારની સામે ધારીને જોયું.