પૃષ્ઠ:Trishanku.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૩ : ત્રિશંકુ
 


‘દર્શનની આપણે સંભાળ રાખી... એણે સહુને કમાતા કરી દીધાં... એનો ઉપકાર ભુલાય એમ નથી.' કિશોરે કહ્યું.

'મારી આ બચત તારાબહેનની પહેરામણીમાં જશે.' સરલાએ જવાબ આપ્યો.

જ્યારે આ વાતચીત થઈ ત્યારે અમરને પહેરામણીમાં કાંઈ જ સમજ પડી નહિ. લગ્ન થયાં - છતાં ખર્ચ વગર થયાં, એમ જ્યારે વાત અમરને કાને પડી ત્યારે તેને નવાઈ લાગી. શરણાઈ તો થોડી વાર વાગી હતી. એ ખર્ચ વગર કેમ આવી હશે !.. સેંકડો લોકો લગ્નમાં ભેગા થયા હતા અને તેમને શરબત પાવામાં આવ્યું હતું !... ખર્ચ વગર એ કેમ બને ?... ગીતો અને મંગલાચરણોનો ઘોંઘાટ પણ ભારે હતો ! સહુ આનંદમાં હતાં... અમર પણ કદી આનંદિત થતો... પરંતુ મોટે ભાગે અમર મૂંઝવણ જ અનુભવી રહ્યો. લગ્નને બીજે દિવસે એનાથી પોતાનો અભિપ્રાય દર્શાવ્યા વગર રહેવાયું જ નહિ. અને પોતાનાથી મોટી પણ સતત મૈત્રીભાવ અને સહાનુભૂતિ દર્શાવતી પોતાની બહેન શોભા સિવાય કોની પાસે અભિપ્રાય વ્યક્ત કરી શકે ? શોભા અને અમર કાંઈ એકલાં પડ્યાં એટલે ભાઈબહેન વચ્ચે વાત ચાલી :

‘અમર ! લગ્નમાં કેવી મઝા આવી ?' શોભાએ કહ્યું.

‘આવું લગ્ન હોય ? શોભા ! આ શરીરને પીળું પીળું બનાવવું, ધૂણી પાસે બેસવું, ફૂલોના ઢગલામાં ગૂંગળાવું, હાથ પકડી રાખવા, ઘોંઘાટમાં આપણે પણ મોટેથી બોલવું. ફેરા ફરવા, એ બધું આપણને તો કાંઈ જ ફાવે. નહિ... દર્શનભાઈ અને ફોઈ આટલું કષ્ટ વેઠીને કેમ પરણયાં એ જ મને તો ન સમજાયું !... મને લાગે છે કે... ગળ્યું ખાવાનું ન મળે તો કોઈ પરણે જ નહિ ! ખરું?... હું તો ન જ પરણું.'

'ઘેલો છે તું ! પરણનારથી તો કાંઈ ન ખવાય. બન્ને પરણનારે ઉપવાસ કરવો પડે !' શોભાએ લગ્ન વિષે વધારાનું જ્ઞાન ભાઈને આપ્યું.

‘ત્યારે તું માને કહી દેજે... હું કદી નહિ પરણું !... અને બહેન ! તુંયે ન પરણીશ !' અમરે લગ્ન ઉપર પોતાનો અંતિમ બાલ-અભિપ્રાય જાહેર કરી દીધો.

‘મૂરખનો સરદાર !' કહી શોભાએ ભાઈના મતને ધુતકારી કાઢ્યો. છતાં શોભાને એક નવાઈ તો જરૂર લાગી કે સવારનાં બહાર નીકળી પડેલાં દર્શન અને તારાને રાત્રિ પડ્યા છતાં હજી ઘેર આવવાની ફુરસદ કેમ નહિ. મળી હોય ? સંધ્યાને શરૂઆતમાં જ શોભાએ પૂછ્યું :