પૃષ્ઠ:Trishanku.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨ : ત્રિશંકુ
 

-બધા જ પ્રયત્નો નિષ્ફળ જતા એ સાચી વાત. અને એ નિષ્ફળતા વાગતી પણ ખરી. પરંતુ એ વાગતી સરલાને... અને કિશોરને. આર્થિક પ્રહાર હજી કુટુંબીજનો - બાળકો - સુધી પહોંચ્યો ન હતો, અને એ ન પહોંચે એનો ભગીરથ પ્રયાસ પતિ-પત્નીનો હતો જ. તારાના નિઃશ્વાસે સરલાને ચમકાવી, પૈસા પેટીમાં નાખવાને બદલે હાથમાં જ રાખી સરલાએ પૂછ્યું :

'કેમ, તારાબહેન ! કેમ નિસાસો નાખ્યો ?'

'કાંઈ નહિ, ભાભી ! અમસ્તું જ.' તારાએ ઊંડો શ્વાસ લઈ કહ્યું.

'મારા સમ, જો મને ન કહો તો.'

'ભાભી ! બીજું બધું કરજો પણ તમારા સમ કદી ન ખાશો... મારી ભાભી ચિરંજીવી રહે !' સહજ હાલતા કંઠે તારા બોલી.

'તારાબહેન ! શાનું ઓછું આવ્યું ? મારી બહેન નહિ ! કહી દો મને.' તારાને ગળે હાથ નાખી સરલાએ આગ્રહ કર્યો.

તારાની આંખમાં સહજ ઝળઝળિયાં આવી ગયાં. એનાથી કાંઈ બોલાયું નહિ. સરલાએ જરા રહી પાછું કહ્યું :

'મને તો તમે ચિરંજીવી રહેવા કહો છો, ખરું?'

'હા.'

'પણ જાણો છો ?... તમને જરાય ઓછું આવે તો મને જીવવું જરાય ગમે નહિ !' સરલા બોલી.

કિશોર પોતાની ખુરશીમાં સહજ હાલ્યો. એની આસપાસ ધૂમ્રવર્તુલ વધી રહ્યાં - જોકે એણે નણંદભોજાઈની વાતચીતમાં કશો ભાગ લેવાનો પ્રયત્ન કર્યો નહિ.

'ઓછું તો કાંઈ નહિ, ભાભી !... પણ...' તારા બોલતાં બોલતાં અટકી ગઈ.

'કહી નાખો, મને ! આજે થયું છે. શું તમને ? કોઈ દિવસ નહિ ને આજ?’

'ભાભી ! જેટલા પૈસા તમે તમારી આ “બૅન્ક"માં મૂકવા જાઓ છો એથી વધારે આ મહિને તમારે કહાડવા પડશે.' તારાએ કહ્યું. બૅન્કના બહુ ભારે નામથી ઓળખાતી સિલક કે બચાવપેટીની પરિસ્થિતિનું રહસ્ય આજ તારાને દુ:ખ સાથે જ્ઞાત થયું હતું.

'કેમ ? શા માટે ?' સરલાને સમજ ન પડી. ગયે મહિને પતિ પાસેથી આખી આર્થિક વ્યવસ્થાની જવાબદારી પોતાને માથે ઉપાડી લેવાનું સરલાએ વચન માગ્યું હતું, અને પતિએ અવિશ્વાસભર્યા સ્મિતસહ વચન