પૃષ્ઠ:Trishanku.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પગની ઠેસ : ૨૫
 


દર્શન બન્ને બાળકોનો માનીતો હતો. એક અગર બીજે બહાને દર્શનની ઓરડીમાં જઈ તેની સાથે વાતો કરવી એ શોભા તથા અમરનો નિત્ય વ્યવસાય બની રહ્યો હતો. એની ઓરડીના બારણા પાસે મોટેથી વાતો ચાલતી હતી. બાળકો માતાપિતા પાસેથી ગયાં અને તારા પણ બહાર ગઈ – ભાભી તથા ભાઈને એકલાં છોડવા માટે.. છતાં કોણ જાણે કેમ, કોઈ દિવસ નહિ અને આજે તેને બારણા પાછળ ઊભા રહેવાનું મન થયું. એ ઊભી રહીને કાંઈ સાંભળવા ચાહતી હતી એટલે એની પાછળ બન્ને બાળકો પણ હાલ્યા ચાલ્યા વગર ઊભાં રહ્યાં.

સંતાઈને સાંભળતી તારાએ થોડી જ ક્ષણોમાં પોતાના ભાઈ કિશોરનો કંઠ સાંભળ્યો :

'સરલા ! આ હવે છેલ્લી સિગારેટ હોં!' કહી સહજ હસી કિશોર બીજી પાસની બારીમાં સળગતી સિગારેટ હોલવીને નાખવા જતો હતો. એનો હાથ ઝાલી એને સિગારેટ ફેંકી દેતાં અટકાવી સરલાએ કહ્યું :

'હાં, હાં ! કાંઈ કારણ?'

'તને હજી કારણ સમજાયું નહિ ?'

'ના. ઘરખર્ચમાં તમારી સિગરેટનો ખર્ચ ક્યારનો ગણી લીધો છે.'

'હવે એ ન ગણીશ.'

'આટલો નજીવો શોખ છે એ પણ છોડવો છે ?'

‘તું તો એને વ્યસન કહેતી હતી ને ?'

'હવે નહિ કહું... મારી ખાતરી થઈ કે એ વ્યસન નહિ પણ માત્ર શોખ છે !'

‘તને એ સિગારેટ કદી ગમી નથી.'

‘આજ મને ગમશે... અને હું હવે કહું ત્યારે એ શોખ છોડવો; તે પહેલાં નહિ !'

'સરલા ! જે મહિને પગારમાં કશી જ બચત ન થાય એ મહિને શોખ થાય ખરો ?' કિશોરે કહ્યું. એનો પ્રશ્ન સાંભળી સરલાએ કિશોરનો હાથ છોડી દીધો અને કહ્યું.

‘વારુ... આજથી મારું દૂધ પણ બંધ !'

કિશોરના મુખ ઉપર વિષાદભર્યું સ્મિત રમી રહ્યું. જીવનમાં કઈ આશા પાંગરી ને ફળીભૂત બની ? એકે નહિ ! શ્રેણી વધતી જતી હતી... વધાઈની નહિ, મનાઈની ! એક અંતિમ મનાઈ પણ ભલે આવી જાય !