પૃષ્ઠ:Trishanku.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જાગૃત મનઃ ૩૯
 

પણ આપની પાસે આવતી હશે.' આજ કંઈ થોડી માહિતી ન આપો ? એમાંથી હું કંઈ તીખો તમતમતો લેખ ઉપજાવી જાઉ.' દર્શને કહ્યું.

કિશોરકાન્તે કંઈ જવાબ ન આપ્યો, માત્ર તેણે હાસ્ય જ કર્યું.

રસોડાની ઓરડામાંથી એક થાળીનો ખણખણ થતો અવાજ આવ્યો, અને સરલાએ એકાએક દર્શન સામે જોઈને કહ્યું :

'એ બધું જ્યારે લખાય ત્યારે લખજો. પરંતુ હવે તમે બન્ને જમવા માટે ઊભા થાઓ.’

'હું શા માટે ઊભો થાઉ?' દર્શને જરા હસીને પૂછ્યું.

‘તમે શા માટે ? આજ તમે જમ્યા નથી એ માટે.’ સરલાએ કહ્યું.

'હું જમ્યો નથી ? તમને કોણે કહ્યું? હું જમીને જ આવ્યો છું.' દર્શને જવાબ આપ્યો.

'જુઠ્ઠા ! ખાઓ મારા સમ જો તમે જમ્યા હો તો !' સરલાએ દર્શનને ઘેર્યો. જુઠા સમ ખાઈને સરલાને છેતરવાની દર્શનમાં શક્તિ હતી નહિ એટલે તેણે કહ્યું :

‘નહિ, નહિ ! હું જમ્યો નથી એ સાચું, પણ મારે અત્યારે જમવું જ નથી.' દર્શને કહ્યું.

‘પણ કંઈ કારણ?' સરલાએ પૂછ્યું.

'કારણ ?... હા.... આપને કોઈને ખબર નહિ હોય... પણ હું હમણાંનો સોમવાર કરું છું ને...' દર્શને કહ્યું અને એનું વાક્ય પૂરું થવા ન દેતાં હસતાં હસતાં કિશોરકાન્તે ભારે સમસ્યા મૂકી દીધી :

'સોમવાર ? દર્શનભાઈ ! આજે તો મંગળવાર થયો.' હસતે હસતે ઊભા થઈ કિશોરકાન્તે પોતાનું વર્તમાનપત્ર બાજુ ઉપર મૂકી દીધું.

ગૂંચવણને ટાળવાનો પ્રયત્ન કરતા દર્શને વધારે ગૂંચવણ ઊભી કરતી સમજણ પાડી :

'એ તો હું ક્યાં નથી જાણતો ? પણ જુઓને કિશોરભાઈ ! કાલે જ કોઈ મિત્રને ત્યાં જમવાનો આગ્રહ થયો. હું ભૂલી ગયો કે મારે સોમવાર કરવાનો છે અને મેં જમી લીધું. એટલે હવે આજ એના બદલામાં ઉપવાસ કરવો જ જોઈએ ને ?'

'તે હવે આજ નહિ. આવતી કાલ ઉપર મુલતવી રાખો. આજ અહીં જ જમી લેવાનું છે.' સરલાએ દર્શનને આજ્ઞા કરી. થોડી જ વાર ઉપર પગારના પૈસાનો અંદાજ ગણતી પોતાની પત્ની સામે જોઈ કિશોર જરા હસ્યો. પત્નીના સ્વભાવમાં પગારનો બચાવ થાય એવું કોઈ લક્ષણ તેને