પૃષ્ઠ:Trishanku.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
 
બાહ્ય ચમકનો ચિરાતો પડદો
 

દર્શનને હવે જોઈએ એટલા સમાચારો મળવા લાગ્યા અને સમાચારો ઉપરથી લેખ લખવાનાં અખૂટ સાધનો તેને મળતાં ગયાં. જોતજોતામાં સચ્ચાઈની રાહ પરપત્રની નકલો ખૂબ નીકળવા લાગી અને પત્રની ટીકા કરનારાઓએ પણ 'સચ્ચાઈની રાહ પર’ વાંચવા માંડ્યું. લોકોની અંગત હકીકત લખવી ન જોઈએ, પૈસા પડાવવાનો આ નવો રસ્તો શોધાય છે, આવી હકીકત સાચી હોય જ નહિ, સારા માણસોની આબરૂ લેવાય છે, આવા પત્રો ઉપર નજર પણ ન કરવી જોઈએ, આમ જ્યાં ત્યાં ઉદ્‌ગારો નીકળતા હોવા છતાં એ ઉદ્‌ગારો કાઢનાર વ્યક્તિના હાથમાં રોજ સચ્ચાઈની રાહ પર’ હોય , અને ન હોય ત્યારે તે બહાર પડે તેની રાહ જોવાતી જ હોય ! 'સચ્ચાઈની રાહ પર' હવે અનેક કબૂતરખાનાંઓમાં ફફડાટ મચાવી મૂકતું અને જોતજોતામાં એ સહુનું પ્રિય પત્ર અને એક સત્તાધારી શસ્ત્ર પણ બની રહ્યું.

હવે દર્શનની અવરજવર તેની ઑફિસમાં સહજ અનિયમિત થઈ પડી. એને ઑફિસમય સિવાય ગમે ત્યારે કચેરીમાં આવવાની છૂટ હતી અને ગમે ત્યારે ઑફિસમાંથી ચાલ્યા જવાની પણ છૂટ હતી. સુખલાલ તંત્રીની સૂચના અનુસાર તેનો પેસારો અણધારી જગ્યાએ નવો લાગ્યો; અને તેવી તેવી જગ્યાઓમાંથી તેને સમાચારો અને ચમચમતા લેખો લખવાનાં સાધન મળી રહેતાં.

'એ કયાં કયાં સ્થાનો હતાં !'

દર્શનને ધનિકોની એક રોનકભરી ક્લબ જડી આવી. હિંદમાં ભલે ઘણી ભયંકર ગરીબી હોય, પરંતુ ધનિકો છેક ઓછા છે એમ પણ કહેવાય એવું નથી. એમ ન હોય તો આ જાતની ચકચકતી મોટર કારના રેલા ક્યાંથી વહેતા હોય ? અને ફેશનેબલ ક્લબોનાં ખાણાંપીણાં, રમતગમત અને મોજમજા ક્યાંથી હોય ? દર્શનની નજરે ધનિકોની એક રોનકભરી ક્લબ પડી. આજની ક્લબોમાંથી પણ ઘણું ઘણું જોનારને મળી જાય છે, અને જોતાં જોતાં કાને પણ ઘણું સંભળાઈ જાય છે. એ ક્લબમાં ધનિકો ભેગા થાય. ક્લબમાં વૃદ્ધોને પણ જુવાની આવે છે. એક બાજુએ ટેનિસ રમાતું હતું,