પૃષ્ઠ:Trishanku.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
 
ચાલીની ઓરડીઓમાં
 

ત્રિશંકુ એટલે ?

સ્વર્ગે પહોંચવા માટે કૂદકો ભરી ચૂકેલો એક પ્રાચીન રાજવી. પરંતુ એ સ્વર્ગ ભૂમિ ઉપર પગ માંડી શક્યો ?

ના. સ્વર્ગને અડતા પહેલાં તો એને એવો ધક્કો લાગ્યો કે ઝડપથી એ નીચે ઊતરી પડ્યો - પૃથ્વી ઉપર !

એમાં ખોટું શું ? સ્વર્ગ ન મળે તો પૃથ્વી શી ખોટી ? નક્કર, માનવીનો બધો ભાર ખમે એવી પૃથ્વી-ભૂમિ-માતા સરખી ઉદાર !

પરંતુ ત્રિશંકુથી તો જમીન ઉપર - પૃથ્વી ઉપર - પગ મૂકી શકાયો જ નહિ. એ પૃથ્વી ઉપર ઊતરી રહ્યો તે પહેલાં તો વિશ્વામિત્રે એને એવો ધક્કો માય કે બિચારો ત્રિશંકુ પાછો સ્વર્ગ ભણી ઊછળી ઊડ્યો !

ન એને સ્વર્ગ સંઘરે, ન એને પૃથ્વી સંઘરે ! ન એ સ્વર્ગનો રહ્યો, ન એ પૃથ્વીનો રહ્યો ! અધવચ અંતરિક્ષમાં આધારવિહીન ઝોલાં ખાતો ત્રિશંકુ નથી સ્વર્ગનું અમૃત પી શકતો કે નથી પૃથ્વી ઉપરનું પાણી પી શકતો !

કથામાં કોઈ વાર સાંભળેલી એ વાત સરલાને યાદ આવી અને તેને લાગ્યું કે તે પોતે, તેનો પતિ કિશોર અને બન્ને મળી સર્જેલું બે બાળકોનું કુટુંબ, લગભગ ત્રિશંકુની સ્થિતિ ભોગવી રહ્યો છે ! ત્રિશંકુ તો સ્વર્ગ અને પૃથ્વી વચ્ચે એકલો જ લટકતો હતો; ત્રિશંકુની પત્ની અને તેનું કુટુંબ કંદુકસ્થિતિમાંથી મુક્ત હતું જ્યારે સરલા તો એકલી જ નહિ, પરંતુ પતિ અને બાળકો સહ સ્વર્ગ અને પૃથ્વી વચ્ચે પડછાયા જ કરતી હતી ! પ્રાચીન કાળના ત્રિશંકુ કરતાં આજના ત્રિશંકુની વધારે દુઃખમય કહાણી ! કિશોર સાથે એનું લગ્ન થયું ત્યારે સરલાએ કેવી કેવી આશાઓ સેવી હતી ? નાનકડી ચાલીઓ અને ઓરડીઓના નિવાસને બદલે તે બગીચાવાળા બંગલાનો સ્પર્શ કરી શકશે ! બસના બેચાર આના ખર્ચતાં ખમચાતો તેનો જીવ કારમાં બેસી પરમ પ્રફુલ્લતા અનુભવશે ! પ્રિય બાળકો માટે એકાદ રમકડું ખરીદતાં આજ ખાલી પડતો હાથ રમકડાની આખી દુકાન પોતાના બંગલામાં વસાવશે !