પૃષ્ઠ:Trishanku.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬ : ત્રિશંકુ
 

પગાર તેમની સાથે જ કાઢી લીધો હતો. કિશોરનો ગુસ્સો સમજી તેણે એક સ્મિત કર્યું અને સ્મિત સાથે તેનાથી બોલાઈ ગયું, બહુ ધીમેથી :

‘પણ એક તક મળે ત્યારે ને ?.. અને બીજે પણ એનું એ જ !'

કોઇ પરંતુ એ શબ્દો ગુસ્સાએ વેગવાન બનાવેલા કિશોરને સંભળાવવા માટે હતા નહિ. કિશોર તો પગથિયાં ઊતરી ઑફિસ છોડી મિલના દરવાજા તરફ ચાલ્યો જતો હતો. આજ તને કોઈ ન જુએ એવી તેના મનમાં ઇચ્છા હતી. એટલે મકાનો અને મિલનું મેદાન બાજુ ઉપર રાખી તે આગળ ચાલ્યો અને દરવાજા બહાર નીકળ્યો. દરવાનની સલામ ઝીલી ન ઝીલી એટલામાં તેની નજર તેના ઓળખીતા એક મઝદૂરની હિલચાલ ઉપર પડી. એ મઝદૂર ટોળાં ભેગો ન હતો. પરંતુ એકલો સંતાતો ક્યાંઈ ભાગી જવાની પેરવીમાં હોય એમ લાગતું હતું. એવામાં જ ક્યાંઈક અદ્રશ્યમાંથી ફૂટી નીકળેલા એક મજબૂત ગુંડા જેવા લાગતા માણસે મઝદૂરને બોચીમાંથી પકડયો અને તેને બે ઠોંસા લગાવી અડબડિયાં ખવડાવી દેતો, ડાંગ, ઉપાડતો જોયો. કિશોર જરાક થોભ્યો. શેઠ અને પેઢી વિરુદ્ધનો તેનો ગુસ્સો એકાએક ઓસરી ગયો અને તેણે સહજ દૂરથી મઝદૂરના ખિસ્સા તપાસતા અને તેને મારતા ગુંડા ઉપર દૃષ્ટિ રાખી. એ રસ્તે જતા કેટલાય માણસો મઝદૂરને માર ખાતો અને ગુંડાના કાલાવાલા કરી ગુંડાને પગે લાગતો તેને જોતા હતા, પરંતુ કોઈની વૃત્તિ માર ખાતા મઝદૂરને છોડાવવાની હોય એમ લાગ્યું નહિ. કિશોરને નવાઈ લાગી. ગુંડાનો માર અટકતો ન હતો. કિશોરથી રહેવાયું નહિ. તે ગુંડાની બાજુએ ધસી ગયો. ગુંડાને પૂછ્યું. એને પોતાને પણ આ પ્રશ્નના ઉકેલની સમજ ન પડી. ગુંડાની પાસે રોકડો જવાબ હતો જે તેણે કિશોરને આપ્યો :

‘આજ એને એવો મારું કે જીવવા જ ન પામે ! અને જીવે તો બાર મહિના સુધી નોકરી ન કરી શકે !'

‘સાહેબ ! તમે કાંઈ દયા કરો તો આજ જિવાય !' મઝદૂરે કિશોરના પગ પકડીને કહ્યું. કિશોરે એકાએક પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો.

મઝદૂર અને ગુંડાની વાતમાં એ ભૂલી ગયો હતો કે આજ તેને પગાર મળ્યો ન હતો. તેને પગાર મળ્યો હોત તો એણે જરૂર અર્ધીપર્ધી રકમ આપીને - અગર આખી રકમ આપીને મઝદૂરને ગુંડાના પંજામાંથી બચાવ્યો હોત. પરંતુ ખિસ્સામાં હાથ નાખતાં જ તેણે પોતાનું ખિસું ખાલી જોયું ! એટલું જ નહિ, પણ આજ તેને પગાર મળ્યો ન હતો એનું શૂળ ભોંકાતું ભાન તેણે અનુભવ્યું. મઝદૂર અને ગુંડા આગળ કિશોરને આજ પગાર મળ્યો નથી એમ કહેવું કિશોરને બહુ જ શરમભરેલું લાગ્યું. તેણે જુઠ્ઠાણું વાપરી કહ્યું :