લખાણ પર જાઓ

પૃષ્ઠ:Trishanku.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નીચલા થરમાં ત્રિશંકુ: ૮૫
 

ત્યારે તેનું માનસ એક આતતાયી ખૂનીનું બની જાય છે. આસપાસની આખી દુનિયાને સળગાવી મૂકવાનું તેને મન થાય છે. છતાંય પગારદાર માનવીને પોતાની ભયંકર લાચારીનો પણ એ જ ક્ષણે અનુભવ થાય છે. કિશોરથી કૅશિયરનું ખૂન થઈ શકે એવું ન હતું કે ઑફિસને આગ લગાડાય એમ પણ ન હતું. ખૂન અને આગની ક્રિયા પણ આવડત માગે છે, જે મધ્યમ વર્ગનાં સ્ત્રી-પુરુષોને આવડતી હોતી જ નથી. એમાં વળી મધ્યમ વર્ગને પોતાની પત્ની, પોતાનાં બાળકો અને પોતાનાં આશ્રિતો યાદ આવી જાય છે. એટલે કિશોરે પોતાના રોષને એક પ્રશ્નમાં વ્યક્ત કર્યો :

'એવું છે તો... મેનેજરસાહેબે કેમ પગાર લઈ લીધો ?'

‘એ કંઈ મારાથી કે આપનાથી મેનેજરસાહેબને પુછાય એમ છે ?' કૅશિયરે મુશ્કેલી દર્શાવી.

‘અને સહુથી પહેલો ચેક શેઠે પોતે કઢાવ્યો, નહિ ?'

'હા, જી ! એ તો દરરોજનું કામ છે. એકલા શેઠનો જ ચેક નહિ, પણ શેઠાણી અને શેઠનાં છોકરાંનો ચેક પણ નીકળી ચૂક્યો.' કૅશિયરે આંખમાં ચમક લાવીને કહ્યું.

'તમને નથી લાગતું કે શેઠ સહુથી પહેલો પોતાનો ચેક કઢાવે એ શરમભરેલું કહેવાય ?' કિશોરે પોતાના અભિપ્રાયમાં કૅશિયરની સંમતિ માગી જે તેણે આપી પણ ખરી.

'એ તો છે જ, પણ એ સિવાય શેઠ કેમ થવાય ? શરમ અને ભરમને પી જાય એનું નામ શેઠ ! એ પાછા મારી અને તમારી કાળજી ક્યાં રાખતા ફરે ?' કૅશિયરે સંમતિ સાથે શેઠની મનોદશા પણ સમજાવી. કૅશિયરની સમાધાનવૃત્તિ અત્યારે કિશોરમાં ન હતી. ગુસ્સામાં કિશોર ઊભો થઈ ગયો. તેનાથી સહજ પગ પણ પછડાઈ ગયો. અને ઊભા થતાં થતાં તેના મુખમાંથી ઉદ્ગાર નીકળી ગયો :

'આવી પેઢીને માટે પગાર બાકી રાખવાનો પ્રસંગ ખરેખર નામોશીનો પ્રસંગ ગણાય...' એટલું કહી તેણે બારણા ભણી ચાલવા માંડ્યું. કૅશિયરે સંમતિસૂચક જવાબ પણ આપ્યો અને કહ્યું :

'હા જી, વાત સાચી. પણ થાય શું?'

'એવી નોકરી, અને એવી પેઢી વહેલી તકે છોડવી જોઈએ !' કિશોર કહ્યું અને તે ગુસ્સામાં પોતાની ઓફિસરૂમના બારણાની બહાર ચાલ્યો ગયો.

ખંધા કૅશિયરે શેઠ, શેઠાણી અને મેનેજરને પ્રસન્ન રાખી પોતાનો