પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૦૨ : તુલસી-ક્યારો


જોઇ મ્લાન વદને ચાલતી હતી, ને એને પીથ થાબળતો ભાસ્કર કહેતો હતો, "હિંમત રાખ, બહાદુર બન."

મકાન નજીક આવ્યું. કંચનએ મહામહેનતે ઊંચું માથું કરી મકાન તરફ જોયું. જોતાંની વાર એ ઝબકી. સૂર્યાસ્ત થઈ ગયો હતો. વીજળીના દીવા ઝળહળતા હતા. દીવાના એ ઝળહળાટમાં પતિના ઘરના બગીચાનાં ફૂલઝાડ વચ્ચે એણે એક પુરુષને ઊભેલ દીઠો. ઉંચી દેહ-કાઠી, ઉઘાડે શરીર જનોઈના સફેદ ત્રાગડા ઝૂલતા હતા. કપાળ પર ચાંદલો હતો. હાજ જોડી, પ્રશાંત મને ઊભો ઊભો, એ સાઠેક વર્ષનો પુરુષ ગંભીર સંધ્યાના કોઈ નિગૂઢ આત્માને નમતો હતો. 'શેમ શેમ' શબ્દોથી ચમક્યા કે ઝબક્યા વગર એનું મોં પ્રાર્થનામાં ભીંજાતું હતું.

એને દેખતાં જ કંચન થંભી. ટોળામાંથી પાછી ફરી. ઊતાવળે પગે એ નાસી છૂટી, એને શું થયું તેની સમજ ન પડતાં સૌ થોડી વાર થોભ્યાં, પછી બધાં પાંછાં કંચનને પકડવા દોડ્યાં, બૂમો પડતી હતી : 'બીકણ ! બાયલી ! નિર્માલ્ય!'

બધાં એ બોલતાં રહ્યાં, અને કંચને દોટ કાઢી. એ કઇ ગલી તરફ દોડી ગઇ તેની કોઈને જાણ નહોતી. બધાં ધીમાં પડ્યાં, ફક્ત ભાસ્કર ઉતાવળે કંચનની શોધમાં ચાલ્યો.

અરધી દોડતી ને અડધી ચાલતી એ નારી પાછળ પાછળ જોતી હતી. એને દોડતી દેખી દેવુ પણ ગલીમાં આગળ દોડ્યો ગયો હતો. ગલીને ખૂણે એક આસોપાલવના ઝાડ હેઠળ એ છાંયામાં ઊભો હતો. આસોપાલવની બાજુએ જ કોઇકના બંગલાના ચોગાનમાંથી 'રાતની રાણી'નાં પુષ્પો છૂપી સુગંધ છોડી રહ્યાં હતાં.

દેવુએ બાને દોડતી આવતી દીઠી. સીધે માર્ગે એ દોડી જશે ત્યારે પથ્થર લગાવવાનો લાગ મળશે એવી એને આશા હતી.