ત્યાં તો કંચન પણ સીધો માર્ગ છોડી આસોપાલવની છાયા હેઠળ થાક ખાવા ઊભી રહી. દેવુ અને કંચન લગોલગ થઇ ગયાં. દેવુએ કંચનની છાતીને હાંફે હાંફે સ્પષ્ટ શબ્દો સાંભળ્યા : 'હાશ ! હાશ ! હે ભગવાન ! આમાંથી છોડાવો !'
શામાંથી છૂટવા માગતી હતી આ યુવતી ? પોતાને પ્રાપ્ત થયેલી સ્વતંત્રતામાંથી ! પોતાને સાંપડેલી નૂતન યુગનાં પૂજકોની સહાનુભૂતિમાંથી ! પુરુષના જુલ્મો ઉઘાડા પાડવાની પોતાને આવતી કાલે જ મળવાની તકમાંથી? શામાંથી?
હાંફતી હાંફતી એ ફરી વાર બોલી : 'ઓ મા !'
અને કોણ જાણે કેમ પણ દેવુના હાથમાંથી બીજો પથ્થર પણ નીચે પડી ગયો, ને એની જીભેથી શબ્દ છૂટી ગયો:
'બા!'
'બા !' એવા ઉચ્ચારણને ન ટેવાયેલી હોવા છતાં કંચન કોણ જાણે ક્યા ભાવથી, કયા કુતૂહલથી, કઇ દિલસોજીથી એ ઉચ્ચારણ કરનાર તરફ ફરી. ઘાટી વૃક્ષ-છાંયા જાણે કે કોઈ બારેક વર્ષના બાળકને ખોળામાં લપેટી રહી હતી. બેઉની વચ્ચે એક દૃષ્ટિ થઈ શકી નહિ, ને કંચન 'કોણ છો અલ્યા !' એટલું પૂછવા જાય છે, ત્યાં તો એની પાછળ એના ખભા પર ભાસ્કરનો પહોળો પંજો જરા જોશથી પડ્યો. 'બા' શબ્દ બોલનાર બાળકને કંચન પૂરો પારખે તે પૂર્વે તો એને આ પંજાના મૂંગા પછડાટથી ચોંકી પાછળ જોવું પડ્યું.
'અરે ! અરે !' ભાસ્કરે માર્દવભીની વાણી કરી : 'આટલી ચમકે છે શાને વારૂ?'
બોલતે બોલતે ભાસ્કરનો હાથ કંચનના ખભા પરથી ચડીને