'કાં?'
'તને ખબર નથી, પણ મારા ઉપર પાંચ છ કાગળો આવી પડ્યા છે. બ્રાહ્મણોના ઘરમાં દીકરીઓ ઊભરાઈ રહી છે, કોઈને પોતાની ભત્રીજી તો કોઈને પોતાની ભાણેજ, તો વળી કોઈને પોતાની સાળીની છોકરી ઠેકાણે પાડવી છે, એક માથે બીજી દેવા દસ જણા તૈયાર છે. મને ઘેર તેડાવે છે.'
'મન થાય છે?'
'મન તો આ ઊખડેલને દેખીદેખી એમ થાય છે કે-'
'કે?'
'એને દેખાડી દઉં કે મારા દીકરાનું ભર્યું ભાદર્યું ઘર મસાણ નહિ બની શકે.'
'હં'
'કેમ હં કહીને જ અટકી ગયો ? તારી બેન પ્રેતલોકમાંથી મને શું કહેતી હશે ! કે એકના એક પુત્રનું ય ઘર ન બંધાવી શક્યા?'
'સોમેશ્વરજી, મારી મરેલી બેનને યાદ કરો છો પણ તમારા ઘરની જીવતી 'ગાંડી'ને કેમ ભૂલી જાઓ છો? ઠેઠ સીંગાપુરથી એ રઝળતી પાછી આવી, કેમ કે એના ધણીએ એક માથે બીજી આણી.'
'આ ઊખડેલ ક્યાં એમ પાછી આવવાની હતી?'
'પાછી આવશે. પાછી આવ્યા વગર છૂટકો નથી. સોમેશ્વરજી, મારૂં વેણ છે. મારી આંધળી આંખો ભવિષ્યમાં ભાળે છે : કે આ કંચન, એક દિ' પાછી આવશે : તે દિ' તમારે વેઠ્યા વગર છૂટકો નથી.'
'મારું પગરખે. કાઢું ખડકી બહાર.'