પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૩૮ : તુલસી-ક્યારો


દોરી : દોરીને છેડે ય ફૂમકું. ને ઓહ ! તે પછી નજર નીચે ઊતરી ને નિહાળી રહી સ્ત્રીદેહનો ભર્યો ભર્યો પાછલો કટિપ્રદેશ.

આવી જો બા ઘરમાં હોય ! આવી ભલેને નવી બા હોય, છતાં 'દેવુ, તારે ખાવું છે ભાઈ?' એમ કહીને સુકો રોટલો અને છાશ પણ પીરસતી હોય, તો ખાવાનું કેવું ભાવે? અવી બાને ખોળે તો ખેલવા જેવડો હું નથી રહ્યો, છતાં એને ખોળે રમનારું એક નાનું ભાંડું હોય તો એને 'મોટાભાઈ ! મોટાભાઈ!' કહેતાં તો શીખવી શકાયને. આવી બા ભલે ને નવી હોય તો પણ મારી માંદગીને વખતે પથારી પાસે બેસવાની કાંઈ ના પાડે? પાણીનો ઘૂંટડો ભરાવવાની કાંઈ ના પાડે?

આવા ભવો- અમે મૂકેલ છે તેટલા સ્પષ્ટ હશે કે કેમ તે અમે નથીકહી શકતા - એ દેવુના દિલની ડાળે ડાળે વાંદરાની જેમ કુદાકુદ કરતા હતા, અને દેવુની પાસેથી બધી વાત કઢાવી લઈ ને ભાસ્કર એને કહેતો હતો:'વારૂ છોકરા ! જા હવે. ને તારા દાદાને તેડીને અત્યારે વ્યાયામમંદિરની સભામાં આવજો ત્યાં તમને તમારી બાનો મેળાપ કરાવી દઈશ હાં કે? જા.'

દેવુ જવા ઊઠ્યો. ત્યારે ભાસ્કરના આંખોના રંગોની ઘુમાઘુમ એને ભાસ્કરના શબ્દોની અંદર રહેલી મૃદુતાથી જુદેરા પ્રકારની જ લાગી; એ આંખો દેખી દેવુ વધુ ભયભીત બન્યો, પણ શબ્દોનું માર્દવ એને વિભ્રમ કરાવતું રહ્યું.

મૂંગી મૂંગી નજરે એણે નવી બા પ્રત્યે એક વાર જોવાની કાકલૂદી કરી. પણ કંચને પીઠ ફેરવી નહિ. 'જા બાપુ જા હવે.' એ ભાસ્કરનો બોલ ફરી સંભળાયો.