લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૪ : તુલસી-ક્યારો

ભૈરવપુર નામના એ વળગાડ કાઢવા માટે જાણીતા દેવમંદિરમાંથી ત્રીજા દિવસે રવિવારે જયારે દાદા અને પોત્ર દેવું ગાંડી યમુના ને લઈ પાછા વાળ્યા ત્યારે દેવું હેબતાઈ ગયો હતો. પોતે જેને બાફોઈ કહેતો હતો તે ગાંડી યમુના થાકી લોથ થઈ આગગાડીના પાટિયા પર શબની સ્થિતિમાં પડી હતી. એના ટૂંકાટૂંકા ઝંટિયામાંથી કેટલીય પુણીઓ ખેંચાઈ ગઈ હતી. એના કપાળની ચામડી વાળના જથ્થા નજીક સોઝી ગઈ હતી. ને એના ગાલ પર ઉગ્રાવેશી તમાચાનાં આંગળાં ઊઠી આવ્યાં હતાં. એ વારે વારે ચમકતી હતી.

'બાફોઈને એ મારતો'તો કોણ હેં દાદા?' દેવુ ભયભીત અવાજે પૂછવા લાગ્યો.

'ભૂવો.'

'એ ભૂવો હતો? એટલે શું?'

'ભૈરવનો પુજારી.'

'એ કાળો ને કદરૂપો હતો તે શાથી ?'

'ભૂવા એવા જ હોય'

'પણ એને બાફોઈને ને ત્યાં બેઠેલી બીજી બાઈઓને અડબોતો કેમ મારી?'

'મારવાથી ભૂત જાય.'

'બાફોઈનું ભૂત તો ના ગયું. મને તો દાદા એમ લાગે છે કે જાણે એ ભૂવો જ બાફોઈને ચોંટ્યો છે. હવે જુવો ને, બાફોઈ ચમકી ચમકીને આમ તેમ જોયા જ કરે છે. મને એ ભૂવો ન ગમ્યો, એ મંદિર પણ બહુ બહુ ડરામણું લાગ્યું ને ત્યાં બેઠેલી બધી બાઈઓ પર આટલી બધી ચીસાચીસ ને રાડારાડ ને ડરધમકી તે શી?'