પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કોના પ્રારબ્ધનું ?  : ૩


'જ્યાં લઈ જતા હો ત્યાં લઈ જાવ.'

'તું આજ સુધી એ વહેમમાં પડવાની ના પડતો હતો ને?'

'હવે ના નહિ પાડું, ગમે તે ફકીર બાવા કે મેલડીના ભુવા પાસે લઈ જાવ, નીકર પછી હું ગાંડાની ઇસ્પિતાલે મૂકી આવીશ. હવે હું કોઇની શરમ નહિ રાખું. આપણી એ કઈ નજીકની સગી છે કે એને વેઠો છો ? એની સગી બહેનો ને માશીઓ તો ભાવ પૂછતી નથી.'

'એમ ન વિચાર ભાઈ, કોને ખબર છે કે આપણે આ આખા કુટુંબમાંથી કોના પ્રારબ્ધનો દાણે ખાતા હશું!'

'આ વાત તમે મને ચોથી વાર સંભળાવી.'

'મન બહુ જ દુભાય છે ત્યારે જ એ વાત યાદ આવે છે વીરસુત.'

'વારુ, હવે જે કરવું હોય તે પતાવો. નહિ તો મારે એ ગાંડીના પ્રારબ્ધનો દાણો મારા ઘરમાં નથી જોઈતો. હું ભલે ભૂખ્યો રહું. '

વરતા દિવસની ગાડીમાં સોમેશ્વર માસ્તર પોતાની ગાંડી ભત્રીજી યમુનાને લઈ જયારે ટ્રેનમાં બેઠા ત્યારે પેલો દસ વર્ષનો બાળક દેવુ તેમની સાથે ચાલ્યો હતો. એ બાળક સોમેશ્વર માસ્તરનો પૌત્ર અને પ્રો. વીરસુતનો પુત્ર થાય. એની પોતાની મા એને નાનો મૂકીને જ મરી ગયેલી એટલે એ દાદા પાસે જ ઊછરેલો. એને એના દાદા જોડે વિશેષ બનતી હતી. એના પિતાએ પણ જાણી જોઇને વળાવ્યો હતો. પિતા અમદાવાદમાં સાયન્સના પ્રોફેસર હતા. નવી સ્ત્રી પરણ્યા હતા. તેમને કલકત્તાની વિજ્ઞાનની પરિષદમાં નવાં પત્ની સહિત જવું હતું. આ બાળક એનું એક જ સંતાન હતો. એને ગળે વળગાડીને પ્રવાસ કરવામાં શી મઝા પડે?