પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૪૬ : તુલસી-ક્યારો


દાદા પોતાનો થીગડાં મારેલો જૂનો કામળો ઓઢીને વહેલી પરોડે બેઠા છે, ત્યાં કોઈકના શબ્દો સંભળાયા: 'અનસુ રડતી નથી: અનસુ ઊંઘે છે: ને તુલસી-ક્યારો લીલો છે-લીલો છમ છે, રોજ દીવો કરતી'તી-કરતી'તી.'

ઓરડાની બહાર ઊભી રહીને બોલતી એ ગાંડી ભત્રિજી યમુના હતી. ઘણા દિવસે ઘેર આવતા ડોસા, વહુને ગુમાવી બેઠાના વલોપાતમાં એ ગાંડીને ભૂલી ગયા હતા. છોકરી અનસુ જાણે એના જગતમાંથી જ ભૂંસાઈ ગઈ હતી. યમુનાએ અનસુને ચૂલામાં બાળી હશે કે ક્યાંક કૂવામાં ફેંકી દીધી હશે, એવી બીક વચ્ચે વચ્ચે લાગેલી, પણ પછી તો વહુને હાથ કરવા જતાં યમુના, અનસુ અને ઘરબારનું ભાન રહ્યું નહોતું.

વહેલી પરોડનાં પંખીના ચિંચિંકાર વચ્ચે ગાંડીનો અવાજ કાને પડ્યો. તુલસી-ક્યારો લીલો છે એ સમાચાર ગાંડીએ શા સારૂ આપ્યા? તુલસી-ક્યારો સુકાયો નથી એટલે શું નવી વહુ પાછી મળવાની આશા રહી છે એમ સમજવું? વહેમી અને શ્રદ્ધાળુ દિલનો કુટુંબપતિ આવા સાદા સમાચારને પણ સાંકેતિક વાણીમાં ઘટાવતો બેસી રહ્યો.

'બેટા !' એણે કામળામાં લપેટાયેલું મોં સહેજ ઊંચું કરીને કહ્યું, 'તુળસી-ક્યારો તેં લીલો રાખ્યો એ જ બતાવે છે કે તારું ડહાપણ લીલું છે, તું ગાંડી નથી.'

'હું ગાંડી નથી. પૂછી જોજો અનસુને. ગાંડી નથી. ગાંડી તો કંચનભાભી. ગાંડી ! ગાંડી ! ખબર છે. તુલસી-ક્યારે આવી નથી. અનસુને રમાડી નથી. ગાંડી ! બાપા, ગાંડી થઈ ગઈ ભાભી.' એમ બોલતી બોલતી યમુના રડી પડી; 'ગાંડી ભાભી.'

ઘરમાં પુરાઇને બેઠેલી આ ગાંડી આશ્રિતાના રુદનમાં કૌટુમ્બિક જીવનની ભૂખના સ્વરો હતો.કંચનને એ આજે ક્યાંય જુએ તો