પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
જનતા ને જોગમાયા : ૧૪૭


ઓળખી પણ ન શકે; એક વાર લગ્ન પછી કંચન જ્યારે ઘેર આવેલી ત્યારે જ એણે સહેજ જોયેલી; ત્યારે તો યમુના પૂર્ણ ગાંડપણના સપાટામાં પડેલી હતી; તે છતાં જરીક જોયેલી નવી ભાભી કંચનને એણે આજે પોતાના અશ્રુજળના પરદાની આરપાર ઊભેલી નિહાળી; રડતી રડતી ગાંડી એને ઠપકો આપતી હતી કે ' ગાંડી ભાભી ! ભાભી ગાંડી!!'

'તું ના રડતી બાઈ !' થીગડાં મારેલ કામળામાં પોતાનું મોં ફરી વાર લઈ જઈને વૃદ્ધ માંડ માંડ બોલ્યા :' તું શાંતિ ધર.'

'તુલસી-ક્યારે એક વાર પણ ન આવી ગાંડી ભાભી ! તુલસી મા સુખદુઃખ સાંભળત. તુલસી મા ધીરજ આપત.' કહી કહીને યમુના વિશેષ ધ્રુશકાં ભરવા લાગી.

'ચાલ બચ્ચા, આપણે તુલસી-ક્યારે જઇએ; ચાલ, દીવામાં ઘી ને વાટ લેતી આવ.'

પ્રભાતના તેજતિમિરના સંધિકાળે, નાના એવા તુલસી છોડને નમન કરતો, મોટા દેહવાળો ડોસો ઊભો રહ્યો, ગાંડી યમુના ઘીના ચેતાવેલા દીવાને પોતાના બે હાથની છાજલી વચ્ચે ઢાંકીને લઈ આવતી હતી ત્યારે ડોસો નિહાળતો રહ્યો- એ છાજલીમાંથી યમુનાના મોં પર લીંપાતું દીવાનું કંકુવરણું તેજ. યમુનાની આંખોમાં ભરેલી સજળતા પણ સ્પષ્ટ દેખાતી હતી. યમુનાના તાજા રોયેલા મોં પર એક ગુપ્ત ગર્વ તરવરતો હતો કે પોતે તુલસી-ક્યારાને સુકાવા નથી દીધો, અને અનસુને રડવા નથી દીધી.

'તુલસી-મા!' વૃદ્ધે હાથ જોડ્યા. 'તમે મારી યમુનાને ડાહી કરી પણ મને તો ક્યાંક ગાંડો નહિ કરી મૂકો ને!'

તુલસી મા એવું નહિ કરે, કદી ન કરે.' યમુના હસીને બોલતી હતી.