પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૫૦ : તુલસી-ક્યારો


તાગાદ છે, બૈ? રાત બધી પથારીમાં લોચે છે, નિસાપા નાખે છે, સ્વપ્નમાં લવે છે, હું કાંઈ નૈ સાંભળતી હોઉં એ બધું? મને થોડી ઊંઘ આવે બૈ ! એકલવાયાં એકલવાયાં અસ્ત્રી વગરના ઘરમાં રેવું ને રાતે ઊંઘવું એ થોડું થીક કહેવાય ? કોને ખબર છે બૈ, બેમાંથી કોનું હૈયું વહેલું હારી બેસે ને કોણ ખોટ ખાઈ બેસે. પછી આ આને દોષ દે ને આ આને માથે આળ ચડાવે એ કંઈ ચાલે? માટે ચેતતા રે'વું બૈ ! બૈરાવિહોણું ઘર છે. ને પોચા હૈયાનો પુરુષ છે. કોઈનો દોષ ના કાઢીએ, આપણે પંડ્યે જ આપણાં વસ્તર સંકોડીને રહીએ બૈ.'

પત્નીને હારી બેઠેલો વીરસુત પોતાની ભોજાઇનો આ છૂપો ભય થોડેક અંશે તો પારખી શક્યો હતો. શરૂ શરૂમાં તો કેટલાક દિવસ એ પોતાના સંસારના આ સત્યાનાશ ઉપર ટટ્ટાર ને પડકાર કરતો રહ્યો. રેશમનાં સૂટ, ઊંચાં ચામડાંના બૂટ, જુદી જુદી જાતની હેટ, ટોપી, સાફા વગેરે શોખની માત્રા ઊંચી ચડી. ને કંચન ગઈ તો તેના નામ પર ઝાડુ મારવાનો તોર તેણે થોડા દિવસ બતાવ્યો ખરો. એના સ્નેહીજનો હતા તેઓ તેમ જ ભાસ્કરના વિરોધીઓ હતા તેઓ, એને ઘેર આવતા જતા પણ રહ્યા. ને એ સર્વને ભોજાઈના અથાક શ્રમને જોરે પોતે ચહા પૂરી ને ભજિયાં મુરબ્બો ખવરાવતો પણ રહ્યો. પાણ રફતે રફતે સ્નેહીજનોનો અવરજવર ઓછો થયો, કેમ કે એક તો વીરસુત આખો સમય પોતાનો ને કંચનનો જ વિષય લઈ પીંજણ કરવા બેસતો , ને બીજું એ સૌને પૂછતો, ફરી લગ્નનું પાત્ર શોધી આપશો?

વકીલ મિત્રોએ એને ચેતાવ્યો; 'તારું તો સીવીલ મેરેજ હતું. એક સ્ત્રી હયાત છે ત્યાં સુધી ફરી પરણાય જ નહિ. મીસ્ટ્રેસ રાખવી હોય તો રાખી લે. પણ ચેતજે, પેલાં લોકોના હાથમાં પુરાવો ન પડી જાય.'