પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૬ : તુલસી-ક્યારો


ઘેર પાછા આવ્યા પછી સોમેશ્વર માસ્તર પોતાના પ્રોફેસર પુત્રથી શરમીંદા બન્યા. એણે દેવદેવલાં અને ભૂતપ્રેતના વહેમો પર સારી પેઠે મેંણાટોણાં સાંભળ્યાં. ને છેવટે એક દિવસ ગાંડાની ઇસ્પિતાલે યમુનાને મૂકી આવવા ડોસા કબૂલ થયા, પણ ધીમે ધીમે બબડ્યા જ કર્યું કે 'કોને ખબર છે, આપણે એના પ્રારબ્ધનો રોટલો ખાતા હશું તો!'

આ વાક્ય ફક્ત એક દેવુ જ સાંભળતો હતો. એને બીજું તો કાંઈ સમજાતું નહોતું, પણ 'રોટલો ખાવા'ની વાત બાળક તરીકે એને પરમ મહત્ત્વની લાગી.

'તમારે ત્યાં જોડે આવવાની જરૂર નથી. પાછા તમે ત્યાં પોચા પડી જશો.'

એટલું કહીને પ્રોફેસર વીરસુતે ખભે ખેસ નાખીને તૈયાર થયેલા પિતાને અટકાવ્યા ને યમુનાને પોતે હાકોટાવતો તેમ જ ધમકાવતો ગાડીમાં નાખીને લઈ ગયો. સરકસનાં ચોપાનીઆં જેમ ઘોડાગાડીમાંથી ફરફરાટ કરતાં વેરાતાં હોય છે તે રીતે આ ધોડાગાડીમાંથી યમુનાના આપશબ્દો વેરાતા હતા. ગાંડીની ગાડી પાછળ લોકો પણ દોડતા હતા.

પ્રોફેસર વીરસુતની રજા પૂરી થઈ તે પૂર્વે જ એણે પિતાએ ભેગાં કરેલાં આ કુટુંબીઓની વેજામાંથી નાસી છૂટવા તથા પુત્રને પણ આ વાતાવરણમાંથી ઉઠાવી લેવા ઇચ્છા કરી. પણ પિતાએ પુત્ર પાસેથી દેવુને માગી લીધો. 'શરીરે સુકલકડી છે. આંહી ભલે રહ્યો. અમે દાદો દીકરો જોડીદાર થઈને રહેશું. તારે કશી ચિંતા કરવી નહિ.'

'ઠીક તો રાખો.'

પ્રોફેસર વીરસુત અને એનાં પત્ની (દેવુનાં સગાં માતા નહિ પણ પ્રોફેસરનાં નવાં પત્ની) પોતાની કોલેજના શહેર તરફ ઊપડી ગયાં.