૧૭૪ : તુલસી-ક્યારો
છોકરો આંહી આવ્યો હતો ત્યારે જ મને તો સાચોસાચ ખબર પડી, કેટલો બીકણ, કેટલો બધો દબાયેલો, ને કેટલો રાંક થઇ ગયો છે! આંહીં અમદાવાદમાં ભણે તો કાંઇક પાણીવાળો તો થાય. બાપની સાથે કાંઇક જીવ પણ મળે. અત્યારે તો હું એને દુશમન જેવો જ લાગું ને!'
એટલું કહીને એ પાછો ચાલ્યો, ચોગાનમાં જઇ ઊભો રહ્યો, ને વળી પાછો બોલ્યો, 'અનસૂને ય કોઇક વૌદ્ય દાક્તર પાસે આંહીં જ તપાસાવી શકાયને ! ત્યાં બેઠાં બેઠાં અનસૂથી કંટાળતા હોય તેમાં હું શું કરું ? આંહીં બાલમંદિર પણ બંગલાથી દૂર નથી.
એટલું કહીને એણે માળીને બોલાવ્યો, આજ્ઞા કરી, 'જા તું પાછળનું આઉટ-હાઉસ ઉઘાડીને ભાભીને બતાવ. જોઈ લેજો ને પછી કહેજો, મામા ત્યાં રહી શકે કે કેમ?'
પછી પોતે આખા બંગલામાં તેમ જ બંગલા ફરતું ચક્કર લગાવ્યું, પાછો આવ્યો ને કમ્પાઉન્ડમાં ઊભો ઊભો જ બબડવા લાગ્યો;
'આંહીં તો જગ્યા ઘણી પડી છે. દેવુને ભણવાની પણ ઓરડી ઓ રહી! છતાં જો જવાનું બહાનું જ જોતું હોય તો ખુશીથી જાઓ. કોઇ રોકતું નથી - રોકી કોણ શકે? એ તો હું રહીશ એકલો, પડ્યો રહીશ આ ભૂતખાનામાં.'
'ભૂતખાનામાં' એ છેલ્લો શબ્દ જ્યારે ઉચ્ચારાયો ત્યારે વીરસુત પોતાના ખંડમાં પહોંચી ગયો હતો. દીવાનખાનાની બાંધણી બીજા ખંડો કરતાં વિશેષ પડઘાદાર હોવાથી 'ભૂતખાનું' શબ્દ હજુ એ ખંડમાં જાણે ઘૂમરીઓ ખાઈ રહ્યો હતો.