પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૭૮ : તુલસી-ક્યારો


એ વાક્ય મુજબ જ પોતે બારણા ઉપર પહેલવહેલો ઊભેલો, ત્યારે હાસ્ય પ્રયત્નપૂર્વકનું હતું પણ એકાદ કલાકમાં એ હાસ્ય પરથી પ્રયત્નનો બોજો ઊતરી ગયો હતો. તે રીતે અનસુને તેડવાનો પ્રારંભ પણ એણે વહાલથી નહિ, પ્રયત્નથી કર્યો. પહેલાં એને ધૂળે ભરેલીને બે હાથે અદ્ધર ઉપાડી, છિ-છિ-છિ-છિ કર્યું, પછી તેડી, ને કહ્યું, 'બા પાસે તને લઇ જવા જ આવ્યો છું અનસુ.'

'નહિ જવા દઉં.' યમુના બી ઊથી.

'તને પણ યમુના.'

'દેવુના બાપાને, મામાને, બધાને?'

'હા બધાને.'

'જૂઠું.' ગાંડી પણ વીરસુતનું આટલું પરિવર્તન કબૂલવા તૈયાર ન થઇ.

* * *

'એ કાંઈ નહિ. એ કાંઈ મારે સાંભળવું નથી. મને જીવતો જોવો હોય તો ચાલો બધાં.' એવા મક્કમ સ્વરે વીરસુતે પોતાના પિતાના તમામ વાંધાને કાપી નાખ્યા. પુત્રનું મોં એને ઓશિયાળું લાગ્યું. પુત્રના સ્વરમાં ધ્રૂજતું એકલતાનું આક્રંદ પિતાના તંબૂર-તાર ધ્રૂજાવી રહ્યું હતું.

'આ આખી વેજા છે ભાઇ ! તને સુખે નહિ રહેવા આપે.'

પિતાના આ શબ્દો નકામા ગયા. વીરસુતનું પરિવર્તન એટલું બધું કષ્ટમય હતું કે પિતાની દલીલોના જવાબો દેવાને બદલે તો એ વડછકાં જ ભરવા મંડી પડ્યો : 'હું તમારો એકનો એક પુત્ર છું. કંઇક ભાન તો રાખો?'