લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અણધાર્યું પ્રયાણ : ૧૭૯


પછી તો રાત્રિએ બચકાં બંધાવા લાગ્યાં. દેવુ વસ્તુઓ લેવા માટે બહાર દોડાદોડ કરવા લાગ્યો, ત્યારે આંગણામાં, પાડોશની શેરીમાં ને બજારમાં ચણભણાટ ચાલ્યો: 'રાંડીરાંડ દીકરાવહુ ઘેર પાછી ન આવી ને દેર કેમ આવી ઊભો રહ્યો ?'

'કેમ બધાં સામટાં અમદાવાદ ઊપડે છે?'

'અમદાવાદથી કદાચ આગળ તો જાત્રા નીકળવાની નહિ હોય ને?'

'હોય પણ ખરી.'

'એટલે પછી ભદ્રાને એવા ભાર ભરેલા શરીરે આંહીં શા સારુ આંટો ખવરાવે !'

ખુદ પિતાનું અંતર પણ વહેમાયું હતું. વીરસુતનું આ પગલું વિસ્મયકારી હતું. કુટુંબના શંભુમેળા પર એકાએક વહાલ આવી જવાનું કારણ કલ્પી શકાતું નહોતું. એણે ગામલોકોની ગિલાને જાણ્યા પછી પણ પોતાના મનને કહ્યું : મારા પોતાને બદલે કોઈ બીજા બ્રાહ્મણની વિધવા પૂત્રવધૂ અને પરિત્યક્ત પુત્ર વિષેનું આ પ્રકરણ હોત તો? તો હું પણ ગામલોકોની માફક જ એ બીજાંઓ વિષે વાતો કરત ના ? વાતો ન કરત કદાચ, તો યે વહેમ તો હૈયામાં સંઘરત ને? શું હશે? ભદ્રાની જ કોઈ આપત્તિ હશે?

ઘરને તાળું દેતા પહેલાં દાદાજીએ તુલસી-રોપ બહાર લીધો, ને એ પોતે પોતાની સંબંધી સરસ્વતી બાઇને દેવા ગયા, કહ્યું, 'રોજ લોટી પાણી રેડજો ભાભી.'

'સારું ભૈ ! વેલાસર આવજો. ને હેં ભૈ !' એણે ફાળભર્યાં હેતાળ સ્વરે નજીક જઇને પૂછ્યું : 'ભદ્રા વહુને શરીરે તો સારું છે ના? અંબાજી મા એને નરવ્યાં રાખે ભૈ ! મારી તો બાપડી દીકરી