પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૮૦ : તુલસી-ક્યારો


જેવી છે. લોકોનાં વગોણાં સામે ના જોશો ભૈ ! ને તુળસી માની કશી ચંત્યા કરશો નૈ.'

'ઝાડવું, તોય જીવતો જીવ છે ને ભાભી !' ડોસા સહેજ ગળગળા થયા; 'એણે જ અમને આજ સુધી સાચવેલ છે. દીવો-બની શકે તો-કરતાં રે'જો ભાભી.'

'કરીશ જ તો ભાઈ! શા સારું નૈ કરું ! આંગળીક ઘી પેટમાં નહિ ખાઉં તો ક્યાં દૂબળી પડી જવાની છું ભૈ !'

એનો અર્થ એ હતો કે ઘીનો દીવો કરવો ને ઘી રોટલા પર ખાવું એ બેઉ વાતો સાથે બની શકે તેવી આ વિધવાની સ્થિતિ નહોતી. એવાં નિરાધાર પાડોશીઓની સેવા કરવાનું છોડવું પડ્યું તેની વ્યથા સોમેશ્વર માસ્તરના મોં પર તરવરતી હતી. ભારી હૈયે એ સ્ટેશને ચાલ્યા.

આગળ 'અંધા' જ્યેષ્ટારામ મામાને દોરી દેવુ ચાલતો હતો.

સ્ટેશને આખે રસ્તે અનેક આંખો ચોંટી રહી; એક જણે ઊભા રહીને કહ્યું, 'આમ કેમ અણધાર્યું પ્રયાણ ! નાશક-પંઢરપુર સુધી તો થતા આવશોને જાનીજી?'

કહેનાર થોડી વાર જવાબની રાહ જોતો ઊભો રહ્યો, કે તરત અંધા જ્યેષ્ટારામે દેવુનો હાથ છોડાવી, ચાર ડગલાં પાછાં ફરી, એ બોલનાર જ્ઞાતિબંધુની લગોલગ ઊભો રહી પોતાની આંખોનાં પોપચાં ઊંચાં કર્યાં ને ઉચ્ચાર્યું, 'ઓળખ્યા ! કોણ ભવાનીશંકર ને ? જાત્રાએથી આવીને તમને ગોદાવરીનું તીર્થોદક ચખાડશું હો કે ? નહિ ભૂલીએ ! ઓળખ્યા ! નહિ ભૂલીએ હો કે !'

જ્ઞાતિબંધુ ભવાનીશંકર ત્યાં ને ત્યાં થંભની માફક ખોડાઇ ગયો. એણે દીઠું-અંધની દેખતી બનેલ આંખોમાં પોતાના મુર્દાનું પ્રતિબિંબ.