પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૯૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૮૪ : તુલસી-ક્યારો


થઇ શકાય તેના વિચારો કરતી. પણ ભાસ્કરની ઉઘાડી દુશ્મનાવટ કરવાનું સલામત નહોતું. ભાસ્કર એની ખુશામદ કરે અને એ ભાસ્કરની કરે, એમ પરસ્પર ખુશામદને હલેસે હલેસે જ બેઉની નાવ ઠેલાયે જતી હતી. હવે કોઇ કોઇ વાર કંચનની કલ્પનામાં અણધારી એક તુલના, એક સરખામણી ઊભી થઈ જતી : હું જ્યાં હતી ત્યાં જેટલી દુઃખી હતી, તેથી હવે ઓછી દુઃખી છું કે વધારે ? વીરસુતે અમુક વખતે અમુક પૂરતી સગવડ મને આપી હોત તો શું આટલું બધું પરિવર્તન કરવું પડ્યું હોત ? વીરસુતે મને શાંતિપૂર્વક અમુક પ્રસંગમાં સમજાવી લીધી હોત તો શું મારું મન કૂણું ન રહ્યું હોત?

'ના રે ના, વીરસુત સાથેનો સંસાર તો કદાપિ ન ચાલી શક્યો હોત. મેં કર્યું છે તે તો કર્યા વિના છૂટકો જ નહોતો ત્યારે જ કર્યું: ને હું હવે મુક્ત જ છું : એ તો હું ભાસ્કરભાઇને મારી સ્વેચ્છાથી મારા પર આ સ્નેહાધિકાર આપી રહી છું, નહિતર એ મને ક્યાં મારી નાખે એમ છે. એને તો હું એક સપાટે ઉઘાડા પાડી દઈ પછાડી શકું. હું તો સ્વાધીન છું.'

મનને આવા હાકોટા મારી મારીને કંચન પોતાના જીવન-પરિવર્તનનો બચાવ કર્યે જતી. અને 'આ બધું પોકળ સાંત્વન શીદ લઈ રહી છે? તું તો હતી તેથી સવાઈ ગુલામ છે?' એવી કોઈ આતમવાણી અવાજ ધરીને ઉપર આવે તે પૂર્વે જ કંચન, નાનું બાળક બીજાની સ્લેટના લીંટા ભૂંસી નાખે તેમ ભેજામાંથી એ વાણીને ભૂંસવા મથતી.

એક દિવસ ટપાલ આવી તેમાંનો એક કાગળ વાંચેની મોં મલકાવતા ભાસ્કરે એ કાગળ કંચન તરફ ફેંક્યો, 'લે, લેતી જા ! તારું સામ્રાજ્ય તો બીજાઓએ સર કરી લીધું ! તું રહી ગઇ ! દોડ દોડ જલદી દોડ !'