પણ ભાસ્કરની એ વિનોદધારા એ કાગળ વાંચતી કંચનના મોં પર મસળાતા લોહીના લેપને ન ધોઇ શકી. કાગળ એણે ફરી ફરી વાંચ્યો. ઘડીક મોં પર લોહી ધસી આવ્યાં તો ધડી પછી પાછું હતું તે લોહી પણ ઓટનાં પાણી પેઠે પાછું વળી જઇને એના ગાલની વિસ્તીર્ણ રેતાળ ભૂમિને ઉઘાડી કરવા લાગ્યું.
જે કાગળ કંચન વાંચતી હતી તે અમદાવાદથી આવેલો હતો. એક સખીનો હતો. તેમાં લખ્યું હતું કે -
'વીરસુત કંટાળીને નોકરી છોડી નાસી જશે અથવા તને શોધતો આવશે એવી આપણી ધારણા ખોટી પડી છે. કોણ જાણે કઈ રીતે તારો બંગલો તો જીવતો બની ગયો છે. તારા ઘરની પાસે ફરવા જતાં અમે ત્યાં બે ડોસાઓને બેઠા બેઠા ચોગાનમાં તડાકા મારતા જોઇએ છીએ. એક મોટી ઉંમરનો છોકરો એક નાની છોકરીને રમાડ્યા કરે છે. ને બેતો જુવાન બૈરાંઓ ત્યાં નજરે પડે છે. એમને બેઉને સાથે લઇને વીરસુતને કાંકરીઆ તળાવે મોટરમાં આવેલો પણ અમે જોયો હતો. અમને લાગલી જ શંકા ગયેલી કે આ બેમાંની એકે જે સાડી પહેરેલી તે તારી જ હશે. પછી તો અમે તારા ઘરની ચાકરડીને બોલાવીને ખાનગીમાં બધું પૂછી જોતાં જાણી શક્યાં છીએ કે તારાં કબાટો ને ટ્રંકો, તારી બેગો ને પેટીઓ ખોલી ખોલી બધાં કપડાં ઉપાડી જવામાં આવ્યાં છે. વીરસુત પણ કૉલેજના કામકાજમાં ખૂબ ચિત્ત પરોવીને કામ કરે છે તેથી સૌને કશુંક અનિષ્ટ થયું હોવાની શંકા પડી છે. એના વર્ગના છોકરાઓ પણ વાતો કરે છે કે વિજ્ઞાનનો એ પ્રોફેસર વનસ્પતિશાસ્ત્ર વિષે શીખવતો શીખવતો વૃક્ષોનાં કુટુંબ-જીવનની સાથે માનવીના કુટુંબ-જીવનની ઝીણી ઝીણી સરખામણી કરવા માંડે છે. આટલો મોટો આનંદ એ ક્યાંથી મેળવે છે? તારા પરના જુલમોની વાત ઉચ્ચારતં જ એ ખિજાઈ સળવી ઊઠતો તેને