લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જબરી બા : ૯

'અરે મહિનામાં દસ તો ઉપવાસો કરતી. આખું ચોમાસું તો એકટાણાં જ કરતી.'

'તો પછી જીવતી શી રીતે?'

'જીવતી ન રહી તે એ જ કારણે ને? એ આજ જીવતી હોત તો યમુના ફોઇને ગાંડાની ઇસ્પિતાલે તારા બાપને તો શું, તારા બાપના બાપને પણ ન લઈ જવા દેત. સિંહણ હતી એ તો.'

'ઓ બાપ ! જબરી અને પાછી સિંહણ?'

'તારા જેવી જ આંખો. બહુ દયાળુ હતી એ બા.'

'બા' બોલની, ડોસાના કંઠના તાર પર કશીક ધ્રૂજારી ઊઠી એવું દેવુને લાગ્યું. તેણે પડતી રાતની ભૂખરી પ્રભામાં ડોસાની આંખો પર દીઠાં - બે જળબિન્દુઓ.

દાદા અને દેવુ આથમતા દિવસના ગોધૂલિ-ટાણે ઘરની નાનકડી ડીમાં બેઠાબેઠા આમ એક મૂવેલા સ્વજનની વાતો કરતા હતા ત્યારે આઘેથી તેમણે કોઈકના બિભત્સ બૂમબરાડા સાંભળ્યા; પસાર થતા રાહદારીમાંથી કોઇકે કહ્યું કે, 'માસ્તર, તમારી જમનાને ઘરમાં લઈ લો.'

સોમેશ્વર માસ્તરે અને દેવુએ દોડાદોડ બહાર આવી આઘે ઉભેલી યમુનાને દેખી ધ્રાશકો અનુભવ્યો. એના શરીર પર પૂરાં કપડાં નહોતાં. એને આખે દેહે ચાલ્યા જતા લોહીના રેગડા ફાનસના અજવાળે રાતા તો ન દેખાયા પણ ભીના ને રેલાતા તો જણાયા.

'તેં-તેં-તેં-તારાં-તારાં છાજિયાં લઉં - તેં મને માર ખવરાવવા મોકલી'તી!' એમ બોલતી યમુના સોમેશ્વર દાદાને મારવા દોડી: 'હં-અં. તારે મારી માયાનો ખજીનો લઈ લેવો છે. હં-અં. તારે