૧૦: તુલસી-ક્યારો
મને ત્યાં ઠાર રખાવવી હતી. હં-અં, મને બધીય ખબર છે-મારી માયા લેવી છે તારે-'
એને ફોસલાવવા જનાર સોમેશ્વર દાદાને એણે બે ચાર લપાટો ને ધુંબા મારી લીધા પછી દેવુ એની પાસે જઇને બોલ્યો : 'બાફોઇ, હશે બાફોઇ ! ચાલો ઘરમાં.'
ને ગોવાળ પાછળ ગાય ચાલી આવે એમ યમુના ફોઇ દેવુની પાસે ઘરમાં પ્રવેશ કરી ગઈ. ત્યાં જતાં જ એ પોતાની નગ્નતાના ભાને છુપાઈ ગઈ. કપડાં એની પાસે ફેંકવામાં આવ્યાં તે પહેરીને અત્યંત શરમાળ પગલે યમુના નાની અપંગ છોકરી અનસૂયા પાસે આવી. બેસીને રમાડવા લાગી. રમાડ્યા પછી એણે પોતાની જાણે જ રસોડામાં જઈ ઢેબરાંનો લોટ બાંધી ઢેબરાં વણવા માંડ્યાં. જાણે એને કશો ય રોગ નહોતો.
દેવુ રસોઈ કરતી યમુનાની પાસે જઈ બેઠો ને પૂછવા લાગ્યો: 'બાફોઈ, કોઈએ માર્યાં હતાં ત્યાં તમને?'
'બા મારે.'
'કોણ મારે?'
'બધાય-ખાવા ન દ્યે.'
'શા માટે બાફોઈ? તમે કાંઈ તોફાન કર્યું હતું?'
'દેવને જોવો છે : અન્સુને જોવી છે : નથી ગમતું : અન્સુને અડવી છે : મારી-મારી-મારી-'
એમ કહેતી યમુના રડી પડી.
એના ત્રુટક ત્રુટક વાક્યોનો સળંગ અર્થ દેવુ સમજી શક્યો.