યમુના ફોઈને દેવુ ને અનસૂયા બહુ વહાલાં હતાં. તેને મળવાનું વેન લીધું હશે તેથી માર-પીટ કરી હશે ઇસ્પિતાલવાળાઓએ.
'હેં દાદા !' દેવુ ગરમ પાણીના તપેલા જેવો ઊકળતો ને ખદખદતો સોમેશ્વર માસ્તર પાસે ગયો: 'હેં દાદાજી, એ ઇસ્પિતાલમાં શું ગાંડાંને લગાવે છે?' 'લગાવે' એ શબ્દ એ રૂવાબથી બોલ્યો.
'હા ભાઈ, બહુ માર મારે.'
'તો પછી તમે મને પહેલેથી કહ્યું કેમ નહિ? આપણે બાફોઈને ત્યાં મોકલત જ શા માટે?'
'ભાઈ, તારા બાપુની ઇચ્છા એને મૂકી આવવાની હતી.'
'પણ તમારે મને તો કહેવું હતું ને ! મને એવી શી ખબર કે નિશાળોમાંય મારતા હોય છે તેવું મંદિરોમાં ય મારતા હોય છે ને તેવું ઇસ્પિતાલોમાં ય મારતા હોય છે ! મને આવી શી ખબર ! તમારે મને કહેવું તો હતું દાદાજી !'
દેવુના આ બધા બોલ બળબળતા હૃદયના હતા છતાં હસવું જ ઉપજાવી રહ્યાં હતા. દેવુ પોતાની જાતને જે મહત્ત્વ-મોટાઈ આપી રહ્યો હતો તે ભારી રમૂજી હતી.
'તો હવે શું કરશું દેવ? લે હવેથી તને પૂછીને જ પાણી પીવું, પછી છે કાંઈ?'
'કરવું શું બીજું ! બાફોઈને ક્યાંય નથી મોકલવાં. આંહીં જ રાખીશું. હું ખરું કહું છું દાદાજી, તમે ખરું જ માનજો હો દાદાજી. કે કોને ખબર છે આપણે કોના પ્રારબ્ધનું ખાતા પીતા હશું ! હું ખરું જ કહું છું.'