પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૯૪ : તુલસી-ક્યારો


'વાહ રે વાહ ઢંગ !' ભાસ્કરે વ્યંગ કર્યો, તે દરવાજે ઊભેલા ત્રણ ચાર ટિકીટ-કલેક્ટરોએ ને પોલીસે સાંભળ્યો.

મોટર કરીને ભાસ્કરના મકાને પહોંચતા સુધીમાં તો ભાસ્કરનો કંટાળો કંઠ સુધી આવી ગયો. એના સ્પષ્ટ મુરબ્બીભાવના ઠપકા સામે કંચન બૂમબરાડા પાડતી થઈ એટલે ઉઘાડા ઠપકાને બદલે મેંણા ટોણાં માર્યાં, પણ એ સર્વના માર્મિક જવાબો આપી ન શકવાથી કંચન વારે વારે આંસુ સારતી થઈ.

પહેલો જ સવાલ કંચનને ક્યાં રહેવું તેનો ઊઠ્યો. ભાસ્કરથી ત્રાસી ગયેલી એ તરુણીએ પોતાની સ્નેહી સંબંધી સ્ત્રીઓમાંની કેટલીએકને ઘેર રહેવાની ઈચ્છા આગળ કરી, પોતાના પ્રત્યે સન્માન ધરાવતા પુરુષ સ્નેહીઓને પણ ઇસારો કરી જોયો, પણ એને પોતાના ઘરમાં આશરો દેનાર કોઈ સ્નેહી કુટુંબ નીક્ળ્યું નહિ.

સ્ત્રીઓએ એકાંતે જવાબ આપ્યો :'શું કરીએ બા ? પુરુષોનો કંઈ ભરોસો નહિ. વખત છે ને તારું અપમાન કે તારી બેઅદબી કરી બેસે તો અમે શું મોં બતાવીએ ?'

પુરુષોએ પોતાની ટોપીઓ ચંચવાળતે ચંચવાળતે જવાબ દીધો કે 'ઘરની સ્ત્રીઓ વહેમીલી ને ઇર્ષાળુ કંઇ ઓછી છે ? જીવનને ઝેર બનાવી દેતાં વાર નહિ લગાડે. બાકી તમારે જે કંઇ મદદ જોશે તે અમે આપીશું, મૂંઝાશો નહિ.'

'તમારા પાડોશમાં કોઈ મકાન ખાલી હોય તો...' કંચને એક કરતાં વધુ સ્નેહીઓને પૂછી જોયું. જવાબમાં એ પ્રત્યેકનું મોં ઝંખવાયું. જવાબો એકંદરે ઉડાઉ મળ્યા. કોઈએ કહ્યું કે મકાનો છે જ નહિ; ને જેમની નજીક મકાનો ખાલી હતાં, તેમણે ઘરમાલિકો કજિયાળા હોવાનું કારણ આપી વાતને તોડી પાડી. આખરે એ