પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મરતી માએ સોંપેલો ! : ૨૦3


શો, થોડુંક અંતર રાખી રહ્યો હતો. મોં બંધ થવાની વેળા નહોતી રહી. એની આંખો બિડાઇ ગઇ હતી. બાળક બેભાન બન્યો હતો.

એ દેવુને તપાસવા નીચે વળી. એની સફેદ સાડીની સોનેરી કિનાર લોહીનીનીકમાં ઝબકોળાઇ.

લોકોના ટોળામાંથી બોલાશ ઊપડ્યા -

'આ બાઈનો કોઈક લાગે છે. બિચારો વિદ્યાર્થી લાગે છે.'

'નવો આવ્યો હશે શહેરમાં. સાઈકલ ખોટી બાજુ હાંકતો હતો.'

'મેં મારી દુકાનમાંથી બેઠે બેઠે જોયું ને, એ ગાડીની બાજુએ ચડી આ બેનને કાંઇક કહેવા ગયો.'

'શું ભણતો હતો છોકરો ? ક્યાંથી, બહારગામથી આવો છો બાઇ?'

'આ રહી અંગ્રેજી ચોપડી ત્રીજી.' એક માણસે વેરાયેલી ચોપડીઓમાંના એક ઉઘાડા પાઠ્યપુસ્તક પર વાંચવા માંડ્યું. 'ને નામ પણ છે. દેવેન્દ્ર વીરસુત દવે. ખાનપુર.' એણે વાંચ્યું.

મોટરવાળાએ પોતાની મોટરમાં એ મૂર્છિત દેહને મુકાવરાવ્યો. એણે કંચનને પૂછ્યું 'તમારો છે ને ? ચાલો જલદી ઇસ્પિતાલે પહોંચીએ.'

કંચન પાછલી આખી બેઠકમાં દેવુના મૂર્છિત દેહને ખોળામાં લઈ ગુમસુમ બેસી ગઈ ને મોટર માલિકે આગળની બેઠકમાં બેસી પાછળ જોતો જોતે પ્રશ્નો પૂછવા માંડ્યું, 'એ તમારો પુત્ર છે ? કે કદાચ નાનો ભાઈ હશે ?'

કંચનના મોં પર વધુ તપાસતાં એને લાગ્યું કે બાર વર્ષનો પુત્ર આવડી સ્ત્રીને ન હોઇ શકે.