લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૦૪ : તુલસી-ક્યારો


કંચન કશો જવાબ આપ્યા વગર દેવુના મોં પરથી લોહીભીની માટી લૂછતી હતી. ને સાથે સાથે એની નજર દેવુની ચોપડીઓ પર ભમતી હતી. ચોપડીઓ એને દેવુના મોં કરતાં વધારે જીવતી લાગતી હતી. ચોપડીઓ દેખી એની આંખોમાં પાણી આવતાં હતાં. ચોપડીઓના હાંસીઆ પર સુંદર ફૂલગોટા ચીતરેલા હતા. કોઈ કોઈ ખૂણે કોઈ સ્ત્રીમુખની અણઘડ રેખાઓ ખીંચેલી હતી.

ઇસ્પિતાલ આવી ગઈ. ઝોળી (સ્ટ્રેચર)માં દેવુનું શરીર ઓપરેશન-થીએટરની અંદર લેવાયું ને ડોકટરે તેને તપાસ કરીને તરત કહ્યું, 'લમણાનો ભાગ જોખમાયો છે. એટલે ટેભા જલદી લેવા પડશે એ માટે વાઢકાપ પણ કરવી પડશે...' એમ બોલતે બોલતે એણે ઊંચે જોઈ પૂછ્યું :'કોણ છે આની સાથે ?'

'આ કોઇક બેન છે.' મોટરના માલિકે કંચનને બતાવી.

'ઓ....હો' ! તમને તો હું ઓળખું છું.' કહેતા ડૉક્ટરે કંચનને વધુ વિમાસણમાં પાડી. કંચન કશો જવાબ નહોતી દઈ શકતી. 'આ કોણ છે, તમારો કોઈ સગો છે ? ટેલીફોન કોઇને કરવો છે ? જલદી કરો, હાં કે ?'

એમ કહેતા જ એ બાંયો ચડાવી હાથ ધોતા ધોતા હથિયારોને શુદ્ધ કરવા ગરમ પાણી મુકાવવા ને બીજી સૂચનાઓ છોડવા લાગ્યા.

ને કંચન હજુ ય બાઘોલા જેવી એ આરસના મેજ પર સુવાડેલા અચેતન દેહ તરફ જોઇ રહી હતી.

'આખરે એ મૂકી દીધેલ ટેલીફોન ફરી વાર આજને આજ જ જોડવો પડશે ? પણ હું શું કરીશ ? કોને કહીશ ? મેં આ બાળકને ચગદાવી નાખ્યો એમ જ મનાશે તો ?' બાવળની સાંકડી કાંટાળી