પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભળાવાય. એને બાપડીને આવતાં વેંત હાથે પગે બેડી પડ્યા જેવું થાય હો બાપુજી ! એને પરણ્યાનો લા'વો શો ? ને એ બાપડી ગમે તેટલો સાચવશે તોય એનું ગણ્યામાં નહિ આવે, દેવનું આંખમાથું દુઃખશે તો એને બાપડીને-નવી આવનારને લોકો પીંખી મારશે. માટે બાપુજી ! તમારા પુત્રને ને નવી આવનારને દેવલાની પળોજણમાં ન પાડજો. નહિ પાડોને ? તમારી ચરણરજ લઇને કરગરું છું કે નહિ પાડોને ? તમે જ સાચવશોને બાપુજી ! - લો આમ કહીને એની મા ભેળવી ગઇ છે મને. એટલે જ મારા પેટમાં ફાળ પડે છે. તમે મને ને મારા દેવુને આશિષ દેજો હો બાઇ ! ને તમે બાપુ, હવે શીદ ખોટી થાઓ છો ? પધારો બેટા, તમારો શો અપરાધ ?'