પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મરતી માએ સોંપેલો ! : ૨૦૯


બીજી મોટર વચ્ચે -મને શો ખ્યાલ-મારી ગાડીને ઝાલીને આવતા હતા-'

'કાંઇ નહિ બાઇ ! તમારો એમાં શો દોષ ? દોષ તો અમારાં પ્રારબ્ધનો. તમારી આશિષ દેજો - એ જીવશે- જીવી જશે મારો દેવ. મારો તો દેવ છે દેવ, બાપા ! બીજું તો કંઈ નહિ, એને મા નથી. એ પણ એક રીતે સારૂં જ છે હો બેટા ! માનું હૈયું આવા ટાણે ફાટી જ પડત ના !'

આ શબ્દોમાં કંચનને વ્યંગ વધતો લાગ્યો. પણ આ વ્યંગ એવો હતો જેની સામે ધિઃકાર ન જાગી શકે. આ વ્યંગમાં કરુણતા અને લાચારી હતી.

'એની માએ મરતે મરતે મને સોંપ્યો'તો!' ડોસા હવે જે બોલતા હતા તે જાણે કંચનને સંભળાવવા નહિ પણ પોતાનાં હૈયાનાં પડો ઉખેળી, તેની નીચે બધું સલામત છે કે કેમ તે તપાસી જોવા બોલતા હતા : 'દેવની બાએ પથારીએ પડ્યાં પડ્યાં, મને પાસે બોલાવી, પોતે પોતાનું મોં ઢાંકી રાખીને જ મને કહ્યું હતું કે બાપુજી, તમારો પગ મારા ખાટલા માથે લાવો, હું કહું છું ને, તમ તમારે મૂકો મારા ખાટલા માથે તમારો જમણો પગ : પરાણે મુકાવીને પછી એ માંડ માંડ મારા પગને અડકી'તી, બે હાથ જોડીને પગ અડકાડી રાખ્યા'તા : પછી કહ્યું'તું કે બાપુજી, દેવુની પળોજણ એમને, તમારા પુત્રને ન સોંપવી હો-આહા ! 'પુત્ર' શબ્દ એ મરતી મરતી પણ જેવા શુદ્ધ બ્રાહ્મણોચિત ઉચ્ચારે બોલી'તી ! બોલી'તી કે તમારા પુત્રને પૂરું ભણવા દેજો, ને એ ભણી રહે તે પછી પણ બાપુજી ! એમના નવા સંસાર પર દેવુનો ભાર નાખતા નહિ. બાપુજી, કોઈ બાપડી કોડભરી આવે તેને પારકા છોકરાની પળોજણ ન